- શિવરાત્રી મેળામાં બાદ ગીરી તળેટીમાં સફાઈ અભિયાન પુર જોશમાં
- અત્યાર સુધીમાં 200 ટનથી વધુનો કચરો એકત્ર કરીને તેનો નિકાલ કરાયો
- મેળો પૂરો થતાની સાથે જ મનપા સંચાલિત અનેક શૌચાલયોને માર્યા તાળા
ગીરી તળેટીમાં શિવરાત્રી મેળો પુર થયાને આજે 3 દિવસ થવા આવ્યા છે, ત્યારે ભવનાથના મુખ્ય માર્ગો ઉપર સફાઈ અભિયાન ચાલુ છે, જેને લઈને મુખ્ય માર્ગો અને વિસ્તારો ચોખ્ખા થયા છે, પરંતુ હજુયે જંગલ તરફના રસ્તાઓ અને ક્ષેત્રમાં કચરાના ઢગલા અને ગંદકીના ગંજ ખડકાયા છે.
ભવનાથમાં તા.15 ફેબ્રુઆરીથી તા.18 ફેબ્રુઆરી સુધી યોજાયેલા 4 દિવસીય શિવરાત્રી મેળો પૂર્ણ થયો છે, અને આ ચાર દિવસ દરમિયાન જ્યાં લાખો ભાવિકોની અવર-જવર અને ઉતારા-અન્નક્ષેત્ર ધમધમતા રહ્યા હતા, મેળો પૂર્ણ થયા બાદ બીજા જ દિવસે સવારથી જૂનાગઢ મહાનગરપાલિકાની સેનિટેશનની ટીમો દ્વારા સફાઈ અભિયાન શરુ કર્યું છે. જેમાં 125 થી વધુ સફાઈ કામદારો દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં 200 ટનથી વધુનો કચરો એકત્ર કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો છે, ત્યારે આજે સવાર સુધીમાં (બે દિવસમાં) વધુ 50 ટન કચરો એકત્ર થયેલ અને ભવનાથના મુખ્ય માર્ગો અને વિસ્તારો જ્યાં ઉતારા-અન્નક્ષેત્ર ચાલતા હતા તે જગ્યાઓ સાફ થયેલ છે, પરંતુ હજુ જંગલ વિસ્તારમાં ગંદકીના ગંજ અને કચરાના ઢગલા યથાવત છે. જેને લઈને તે વિસ્તારોમાં બદબૂ ફેલાઈ છે.
જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો અને અન્ય કચરાથી જ્યાં જુઓ ત્યાં ઢગલા જોવા મળી રહ્યા છે, તેને સાફ કરીને ફરી ગીરી તળેટી પહેલા જેવી બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે તો વાતાવરણ ખુશનુમા બનશે. જૂનાગઢની અનેક સેવાભાવી સંસ્થાઓ જે દર રવિવારે ગીરનાર અને તેની આસપાસના વિસ્તારોમાં પ્લાસ્ટિક એકત્ર કરવાનું અભિયાન ચલાવે છે.
પવિત્ર દામોદર કુંડમાં કાદવ-કિચડનું સામ્રાજ્ય છવાતા સાફ-સફાઈ શરુ થઈ
શિવરાત્રી મેળામાં ચાર દિવસ દરમિયાન લાખો ભાવિકોએ ભવનાથમાં મેળો માણ્યો અને અહી આવેલા પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરીને દર્શન કર્યા હતા, ત્યારે મેળો પૂર્ણ થતા હાલ દામોદર કુંડની સાફ-સફાઈ ચાલી રહી છે, અહી કુંડના પાણીમાં તળીયે કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું છે.
દામોદર કુંડમાં હાલ કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું છે, ત્યારે તેને સાવ ખાલી કરીને તેમાંથી માટી અને ગંદુ પાણી બહાર છોડીને સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું છે, સાથે તેમાં હવે ચોમાસા બાદ પહેલીવાર સફાઈ કરવામાં આવી રહી છે, સફાઈ બાદ દામોદર કુંડ ફરી પવિત્ર પાણીથી ભરવામાં આવશે. જયારે દામોદર કુંડની બાજુમાં આવેલ પીંડદાન કુંડમાં પણ કાદવ કિચડ સાથે બદબૂદાર સ્થિતિ ઉભી થયેલ છે. જેને પણ સાફ કરવામાં આવે તેવી આવનારા ભાવિકોની લાગણી છે.