ગીરની શાન ગણાતી કેસર કેરીના બગીચાઓ નષ્ટ થઈ રહ્યા છે. પોતાના બાળકની જેમ ઉછેરીને મોટા કર્યા બાદ યોગ્ય ઉત્પાદન ન થતાં મજબૂરી વશ ખેડૂતો આંબાઓ કાપી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આવક કરતા ખર્ચ વધી જતાં કેસર કેરીના ખેડૂતો કરજદાર બન્યા છે.
ગીરની પ્રખ્યાત કેસર કેરીના બગીચાઓ નષ્ટ થયા
આ દ્રશ્યો છે ગીરની પ્રખ્યાત કેસર કેરીના બગીચાઓના, જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. કેસર નામ સાંભળતા જ ભલભલાના મોમાં પાણી આવી જાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડાના કારણે ખેડૂતો કરજદાર બન્યા છે. આથી પોતાના બાળક કરતા વિશેષ માવજત કરી ઉછેરેલા આંબાના ઝાડ પર કરવત ફેરવી રહ્યા છે. જોકે આંબાના વૃક્ષો તાલાલા ગીરના સુરવા, ઘાવા, હડમતીયા વાડલા સહિતના ગામોમાં પણ કપાઇ રહ્યા છે.
છેલ્લા પાંચ વર્ષથી કેરીના પાકમાં સતત ઉત્પાદન ઘટી રહ્યું છે
કેસર કેરીના આંબાના બગીચાઓ નષ્ટ કરતા ખેડૂતોનું કહેવું છે કે, 'છેલ્લા પાંચ વર્ષથી કેરીના પાકમાં સતત ઉત્પાદન ઘટી રહ્યું છે. ગ્લોબલ વોર્મીંગની અસર અને કમોસમી માવઠાના મારથી કેરી પકવતા બાગાયતી ખેડૂતો દિન પ્રતિ દિન નુકસાનીના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે. ઉમરેઠી ગામનાં ખેડૂતોના મતે પોતાના બાળકની જેમ ઉછેરેલા આંબાના આ વૃક્ષો પર કરવત ચલાવવા અમારૂ પણ કાળજું કંપે છે. પરંતુ ના છૂટકે આ કરવું પડી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી આંબાના બગીચાઓમાં ખર્ચ સામે નુકસાની વેઠવી પડી રહી છે. આ માટે આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ વળી રહ્યાં છે.
ગીર સોમનાથ જીલ્લામાં કુલ 15500 હેકટરમાં કેસર કેરીના આંબાનું વાવેતર છે
જેમાં એકલા તાલાલા ગીરમાં 9500 હેકટરમાં વાવેતર છે. એટલે જ તાલાલા ગીરને કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીનું ઉત્પાદન દિન પ્રતિ દિન ઘટી રહ્યું છે. કેસર કેરીના બગાયતી પાકોને પાક વિમા હેઠળ આવરી લેવા છેલ્લા એક દાયકાથી ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. પરંતુ કયા કારણોસર આ દિશામાં નક્કર કાર્યવાહી થતી નથી તે સમજાતું નથી. જો કેસર કેરીના પાકને પાક વિમાનું રક્ષણ મળે તો ખેડૂતોને કુદરતી આફત સમયે ટેકો મળી રહે છે.
આંબા કાપીને અન્ય પાકો તરફ વળી રહ્યા છે ખેડૂતો
ગ્લોબલ વોર્મિંગને કારણે દિનપ્રતિદિન કેસર કેરીનું ઉત્પાદન ઘટતા ખેડૂતો બાગાયતી પાક છોડીને મગ, અડદ, ઘઉં, બાજરી અને મગફળી જેવા રોકડીયા પાકો તરફ વળતા થયા છે. યોગ્ય માત્રામાં પાણી હોય તેવા ખેડૂતો આંબા કાપીને અન્ય પાકો તરફ વળી રહ્યા છે. જેની સંખ્યા ગીર વિસ્તારમાં ખાસા પ્રમાણમાં વધી છે.









