- કાપડના વેપારીની કારમાંથી ઠગીયાઓ લાખો રૂપિયા ઉઠાવી ગયા
- ઈનોવા કારમાં ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ
- ક્રાઈમ બ્રાંચે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી
સુરતના પુણા ગામ વિસ્તારના આઇમાતા ચોક નજીક એક ઇનોવા કારમાંથી 11.70 લાખ રોકડ ભરેલી બેગની ઉઠાંતરી કરી ઠગીયાઓ ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ આઈ માતા સર્કલ નજીક એક કાપડના વેપારી પોતાની ઇનોવા કાર રોડ પર પાર્ક કરી હતી અને તે દરમિયાન તેમનો દીકરો કારની અંદર બેઠો હતો. ત્યારે એક ઇસમ ગાડી પાસે આવીને જણાવ્યું હતું કે કારની આગળના ભાગે કોઈ ઓઈલ ટપકી રહ્યું છે. જો કે વેપારીના દીકરાએ તેના તરફ ધ્યાન આપ્યું ન હતું. જે બાદ ફરીથી બીજા એક વ્યક્તિએ ગાડી નજીક આવીને ફરીથી નજર ભટકાવવા પ્રયાસ કર્યો હતો. છતાં પણ વેપારીનો દીકરો કારની નીચે ઉતર્યો ન હતો. ત્યારે કાપડ વેપારી પોતાનું કામ પૂર્ણ કરી ફરીથી ગાડીની અંદર બેસવા જાય છે તે દરમિયાન દીકરાએ તેના પિતાએ કહ્યું કે કારના આગળના ભાગે ઓઇલ ટપકે છે તેમ બે લોકોએ કહ્યું છે. આથી પિતા કારની સ્થિતિ જોવા માટે ગાડીની નીચે ઉતર્યા અને જોત જોતામાં પહેલેથી જ રાહ જોઇને બેસેલા ઠગીયાઓ ગણતરીની સેકન્ડોમાં કારનો પાછળનો દરવાજો ખોલી ગાડીમાં રહેલી રોકડ રૂપિયાની બેગ લઈને ફરાર થઇ ગયા હતા.










