- પાલિકાએ સુપરસીડ કરવા જનરલ બોર્ડમાં કોઈ આધાર-પુરાવા ન હોવાનો જવાબ આપ્યો હતો
- શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને 50 પાનાનો અહેવાલ સોંપાયો
- શહેરી વિકાસ વિભાગે સીટનો વિસ્તૃત અહેવાલ મોકલી સત્વરે જવાબ આપવા આદેશ કર્યો
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટના કડક વલણ બાદ ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સુપરસીડ કરવા નોટિસ આપી પાલિકાને કેમ સુપર સીડ ન કરવી તેનો જવાબ માંગતા મોરબી પાલિકાના શાસકોએ સાપ પણ ન મરે અને લાકડી પણ ન તૂટે તેવો જવાબ આપી અમારી પાસે કઈ આધાર-પુરાવા ન હોવાનો ગોળગોળ જવાબ શહેરી વિકાસ વિભાગને આપતા શહેરી વિકાસ વિભાગે આજે મોરબી પાલિકાને 50 પાનાનો સીટનો વિસ્તૃત અહેવાલ મોકલી સત્વરે જવાબ આપવા આદેશ કર્યો છે.
તાજેતરમાં મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાબતે મોરબી નગરપાલિકામાં બોલાવેલ જનરલ બોર્ડ સર્વાનુમતે હાલમાં નગર પાલિકા પાસે ઝૂલતા પુલને લગતું સાહિત્ય ઉપલબ્ધ ન હોય સુપરસીડ કરવા અંગેની નોટિસનો જવાબ રજૂ કરવા સમય માંગ્યો હતો.બીજી તરફ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી ઝૂલતા પૂલ દુર્ઘટના કેસમાં એસઆઈટી દ્વારા કરવામાં આવેલી તપાસનો 50 પેઇજનો રિપોર્ટ મોકલવામાં આવ્યો છે અને આપેલ રિપોર્ટને આધારે તાત્કાલિક જવાબ રજૂ કરવા પણ સૂચના આપી છે.










