- ખેડૂતો ઠંડી અને ઉજાગરા કરે અને અધિકારીઓ દારૂની મહેફીલ માણે
- કર્મીઓએ લુણાવાડા કોલેજ ગ્રાઉન્ડમાં રાત્રી દરમીયાન દારુની મહેફીલ માણી
- ડાંગર તોલવા માટે સરકારી કર્મીઓ ગાંધીનગરથી લુણાવાડા આવ્યા હતા
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સરકારી કર્મચારીઓ ખુલ્લે આમ દારુ પી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ચોમાસાની ઋતુ બાદ તૈયાર થયેલા ડાંગરના પાકને તોલવા માટે લુણાવાડા આવેલા સરકારી કર્મચારીઓએ સ્થળ પર હાજર ખેડૂતો અને અન્ય લોકોની નજર સામે દારુ પીધો હતો.
મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના લુણાવાડાના કોલેજ ગ્રાઉન્ડ ખાતે હાલ ડાંગરના પાકનું તોલ માપ ચાલી રહ્યું છે. અને છેલ્લા ચાર દિવસથી ડાંગરની ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે. ત્યારે આ કામ માટે હાલ ગાંધીનગર અને હિંમતનગરના સરકારી કર્મચારીઓ લુણાવાડા પહોંચ્યા છે ત્યારે રાત્રીના સમય દરમિયાન કર્મચારીઓની દારૂની મહેફીલ સામે આવી છે. ગાંધીનગર અને હિંમતનગરથી આવેલા કર્મચારીઓ દારૂ અને બીયર પીતા હોય તેવો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થયેલા વિડીયોમાં કેટલાક કર્મચારીઓ દારૂ તેમજ બીયર હાથમાં રાખીને આમથી તેમ હરતા ફરતા નજરે પડ્યા હતા. એક બાજુ મજૂરો ડાંગરનું તોલ માપ લઈ રહ્યાં છે જ્યારે બીજી તરફ સરકારી કર્મચારીઓ ગાડીના બોનેટ પર દારૂની બોટલો રાખીને ખુલ્લે આમ નશો કરી રહ્યા છે. એક બાજુ ખેડૂતો કડકડતી ઠંડીમાં પણ ડાંગરના વેચાણ માટે આવી રહ્યાં છે ત્યારે કર્મચારીઓ દારૂની મહેફિલમાં વ્યસ્ત રહેતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.









