- ખંભાળિયામાં 1967 પછી બિનઆહીર જીત્યા જ નથી
- ભાજપ-કોંગ્રેસે આહીર ઉમેદવાર ઉતાર્યા છે, આપે બિનઆહીર ઉતાર્યા
- ખંભાળિયા બેઠક પર સૌથી વધુ આહીરોના બાવન હજાર મત, ગઢવીના માત્ર 15 હજાર મત
આમ આદમી પાર્ટીએ તેમના મુખ્યમંત્રી પદના દાવેદાર એવા ઈસુદાન ગઢવીને જામ ખંભાળિયાથી ટિકિટ આપી છે. પરંતુ ખંભાળિયા બેઠકનો રાજકીય ઈતિહાસ જોઈએ તો 1967 પછી બિનઆહીર ઉમેદવારો જીત્યા જ નથી. 1972થી સતત આહીર ઉમેદવાર જ ધારાસભ્ય બન્યા છે. આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસમાંથી આહીર ઉમેદવારો છે ત્યારે ઈસુદાન માટે કપરા ચઢાણ સાબિત થશે. જામખંભાળિયા બેઠક પર હાલ કોંગ્રેસના વિક્રમ માડમ ધારાસભ્ય છે. તેને કોંગ્રેસે ફરી ટિકિટ આપી છે. તો સામે ભાજપમાંથી પણ મૂળુ બેરા જેવા અનુભવી ખેલાડી સામે પડેલા છે. આ બન્નેની વચ્ચે આમ આદમી પાર્ટીએ ગઢવી સમાજના ઈસુદાનને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ જો ખંભાળિયા બેઠકનો ઈતિહાસ જોઈએ તો છેલ્લે 1967માં લોહાણા સમાજ સાથે જોડાયેલા સ્વતંત્ર પક્ષના ડી.વી.બારાઈ ત્યાંથી જીત્યા હતા. તેમણે કોંગ્રેસના તત્કાલિન ધારાસભ્ય હરિલાલ નકૂમને હરાવ્યા હતા.
ત્યારબાદ 1972થી આ બેઠક પર આહીર ઉમેદવાર જ ચૂંટાતા આવ્યા છે. 1972માં આહીર સમાજના હેમંત માડમે અપક્ષ ઉમેદવાર તરીકે હરિલાલ નકુમને હરાવ્યા હતા. બાદમાં 1975, 1980, 1985 એમ ત્રણ વખત અપક્ષ હેમંત માડમ ચૂંટાયા હતા. 1990માં હેમંત માડમ ચૂંટણી નહોતા લડતાં એટલે કોંગ્રેસે ખાતુ ખોલાવ્યું હતું. જ્યારે ભાજપે પ્રથમ વખત આ બેઠક પર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
