વડોદરા ડેપોની ચાંદોદ- સાધલી- આણંદ જતી એસટી બસનું આગળનું વ્હીલ સાધલી, સરદાર નગર પાસે નીકળી જતાં ડ્રાઇવરની સમય સૂચકતાથી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
સાધલી બસ સ્ટેન્ડથી આજે સવારે 7.30 વાગ્યાના સમયે ઉપડેલી ચાણોદ- સાધલી- આણંદની એસ.ટી બસ સાધલી સરદાર નગર પાસે નાનો બમ્પ પરથી પસાર થતાં એકાએક કંડકટર સાઈડનું આગળનુ વ્હીલ નીકળીને છુટુ પડી જઈ 10 થી 12 મીટર દૂર જઈને પડયું હતું. જો કે ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બસને ત્યાં જ ઊભી કરી દેતાં બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ડેપોના વર્કશોપમાં બસના મેઈન્ટેનન્સમાં મિકેનિકો દ્વારા પૂરતી કાળજી લેવાતી નહીં લેવાતા નવી બસો સાથે પણ આ પ્રકારના બનાવો બનતાં રહે છે. આજે બનેલા બનાવમાં બસની સ્પિડ ધીમી હોવાથી મોટો અકસ્માત થતાં બચી ગયો હતો. જ્યારે મુસાફરોને પાછળ આવતી બીજી બસમાં બેસાડવામાં આવ્યા હતા.










