- અંબાજીમાં વિશ્વનું સૌથી મોટું 2200 કિલોનું મેરૂ શ્રી યંત્ર સ્થાપિત કરશે
- આજે શ્રી યંત્ર સાથે અમદાવાદનું જય ભોલે ગ્રુપ 4 ધામની યાત્રાનું પ્રયાણ
- શ્રી યંત્રના નિર્માણમાં કોઈ વિઘ્ન ના આવે તેને લઈ 11000 KM ની કરાશે ચારધામ યાત્રા
આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજીમાં રૂ.1 કરોડના ખર્ચે તાંબુ, પિત્તળ, લોખંડ, સોનું અને ચાંદી જેવા પંચ ધાતુમાંથી નિર્મિત 2200 કિલો વજની વિશ્વનું સૌથી મોટું સાડા ચાર ફૂટ લાંબુ શ્રી યંત્ર મેરૂ સ્થાપિત કરાશે.
અમદાવાદ જય ભોલે ગ્રૂપ દ્વારા આ અનુસંધાને 20મી એપ્રિલથી ચાર ધામની યાત્રાનો પ્રારંભ કરાશે. જેને બનાસકાંઠા કલેકટર લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જે દ્વારકા, બદ્રીનાથ, જગન્નાથ પૂરી, રામેશ્વરમ, તિરૂપતિ બાલાજી, કોલ્હાપુર મહાલક્ષ્મી માતાના દર્શન કરશે. યાત્રા દરમિયાન એકાદ મહિના જેટલો સમય અને 11 હજાર કિ.મી.ની મુસાફરી થશે.
આદ્યશક્તિ માં અંબામાં અનન્ય આસ્થા ધરાવતા જય ભોલે ગ્રૂપ અમદાવાદના દીપેશભાઇ પટેલ અને સભ્યો દ્વારા શ્રી યંત્ર મેરૂના નિર્માણમાં કોઇ વિઘ્ન ના આવે અને નિર્વિઘ્ને શ્રી યંત્ર પૂર્ણ થાય તે માટે 32 કિલોના શ્રી યંત્રની પ્રતિકૃતિ સાથે ચાર ધામની યાત્રા કરાશે. જેથી માર્ગમાં આવતાં દરેક મંદિર-ધામમાં પૂજા થશે. અંદાજે 1200 વર્ષ પહેલાં શ્રુંગેરી મઠના શંકરાચાર્ય દ્વારા મઠમાં સુવર્ણનું શ્રી યંત્ર સ્થાપિત કરી તેની પૂજા કરવામાં આવી હતી. આથી દીપેશભાઇ શ્રી યંત્રના નિર્માણમાં શ્રુંગેરી મઠના શંકરાચાર્યનું પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવી શાસ્ત્રોમાં વર્ણિત વિધિ વિધાન સાથે આ શ્રી યંત્રનું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે. જેમાં શ્રી શ્રી ભગવતી રાજ રાજેશ્વરી શ્રી વિદ્યામંદિર, હિમાચલ પ્રદેશના દંડી સ્વામી શ્રી જયદેવાંગ મહારાજના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે.
નોંધનીય છે કે સામાન્ય રીતે શ્રીયંત્ર અને લક્ષ્મી યંત્ર એક જ હોવાની માન્યતા શ્રદ્ધાધુઓ ધરાવે છે. પણ દીપેશભાઇના મત મુજબ શ્રી યંત્ર અને લક્ષ્મી યંત્રમાં તફાવત છે. શ્રી યંત્રની દેવી લલિતા ત્રિપુર સુંદરી માતા છે. આદિ શંકરાચાર્ય રચિત શ્રી સૌંદર્ય લહેરી ગ્રંથમાં લલિતા ત્રિપુર સુંદરીનું અદભુત અને વિસ્તૃત વર્ણન જોવા મળે છે. જેમને લક્ષ્મી અને સરસ્વતી બંને ચામર ઢોળે છે. એટલે શ્રી યંત્રમાં માતા લક્ષ્મી અને માતા સરસ્વતી બંને દેવીનો સમન્વય અને વાસ છે. જ્યારે લક્ષ્મી યંત્ર એ માં લક્ષ્મીનું યંત્ર છે.
શ્રી યંત્રના પ્રકાર અને તેનું મહત્ત્વ
દીપેશભાઇએ પણ 4 વર્ષ સુધી શ્રી વિદ્યાનો અભ્યાસ કરેલો છે અને તેની દીક્ષા લીધેલી છે. ત્યારે શ્રી વિદ્યામાં જણાવ્યા મુજબ શ્રી યંત્ર મેરૂ, ભૂપૃષ્ઠ અને કુર્મ પૃષ્ઠ એમ ત્રણ પ્રકારનું હોય છે. જેમાં સૌથી શ્રેષ્ઠ અને ઉચ્ચ મેરૂ શ્રી યંત્ર જે પિરામિડ આકારનું હોય છે. જ્યારે ભૂપૃષ્ઠ યંત્ર જમીનને અડકેલું અને કુર્મપુષ્ઠ શ્રી યંત્ર કાચબાની પેઠ જેવું ઉપસેલું હોય છે.
ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સાડા ત્રણ ફૂટનું શ્રી યંત્ર
હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે જે સાડા ત્રણ ફૂટનું છે. દિપેશભાઇને અહીંથી મા અંબાના મંદિરમાં શ્રી યંત્ર અર્પણ કરવાનો વિચાર આવ્યો હતો.









