ગોધરા નજીક ભામૈયા સ્થિત પૌરાણિક રંગેશ્વર મહાદેવ મંદિરના દરવાજાનું તાળું તોડી જળાધારી, નાગ સહિતની વસ્તુઓની ચોરી થતાં જ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
અજાણ્યા તસ્કરો દ્વારા મંદિરમાં ચોરી દરમિયાન માતાજીની પ્રતિમાની તોડફેડ કરવા ઉપરાંત શિવલિંગ અને માતાજીની પ્રતિમા ઉપર પાન ખાઈ પિચકારી મારવામાં આવી હોવાનું જણાય આવતાં મંદિરમાં ચોરીનું કૃત્ય કરનાર સામે સ્થાનિકો અને હિન્દૂ અગ્રણીઓમાં ભારે રોષ ફેલાયો છે.
ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ રોડ ભામૈયા ગામમાં આવેલ રંગેશ્વર મહાદેવ મંદીરમાં કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ચોરી કરવાના ઇરાદે મંદીરના દરવાજાનુ તાળુ તોડી મંદીરના ગર્ભગૃહમાં પ્રવેશી જલાધારીને કાઢવા માટે શિવલીંગની આજુબાજુનો ભાગ તોડી નાંખ્યો હતો અને શીવલિંગ ઉપરની તાંબાની ગળતી તેમજ તાંબાનો નાગ તેમજ ત્રિશુલ તથા મંદીરનો અન્ય સરસામાન આશરે 87,550 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી મંદિરની મુર્તિઓને નુકશાન પહોચાડી નાશી ગયા હતા. જોકે બનાવની જાણ થતાં ગોધરા ડીવાયએસપી, બી ડીવીઝન પોલીસ,એલસીબી અને એસઓજી ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને નજીકમાંથી મળી આવેલા સીસીટીવી કેમેરા ફૂટેજ થકી ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસ કરવામાં આવ્યો છે. અજાણ્યા અસામાજિક તત્વો (ચોર ઈસમો) સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી અગ્રણી ગજેન્દ્રસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવી છે
પંચ ધાતુમાંથી બનાવેલી જલાધારી સવા લાખની
ભામૈયા ગામે આવેલ રંગેશ્વર મહાદેવ મંદિરની પંચ ધાતુમાંથી બનાવેલી જલધારીની આશરે કિંમત સવા લાખ રૂપિયા જેટલી થાય છે તેને ચોરી કરીને ફ્રાર થઈ ગયા હતા. રંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આ પ્રથમ વખત ચોરી નથી થઈ પરંતુ ચારથી પાંચ વખત અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે અસામાજિક તત્વોને પકડવા માટે તપાસની ધમધમાટ શરૂ કર્યો છે.