- અદાણીની કથિત તરફેણના આક્ષેપોઃ ભાજપ- કોંગ્રેસના કોર્પોરેટરો સામ-સામે
- વિરામ પછીની બોર્ડ બેઠકમાં બિનસંસદીય શબ્દો પાછા ખેંચાતાં 'ઘી ના ઠામમાં ઘી ઢળ્યું'
- અદાણીનો રૂ. 12 કરોડનો ટેક્સ બાકી છે તો તેમની કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી ?
AMCની બજેટ બેઠકના બીજા દિવસે મ્યુનિ. બોર્ડમાં અદાણીના રૂ. 12 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવા છતાં તેની સામે રીકવરી માટે કોઈ પગલાં લેવામાં આવતા ન હોવાના અને AMC શાસકો દ્વારા અદાણીની કથિત તરફેણ કરાતી હોવાના વિપક્ષી નેતાના આક્ષેપોને પગલે મ્યુનિ. બોર્ડમાં કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા હતા અને બિનસંસદીય શબ્દપ્રયોગને કારણે ભારે હોબાળો સર્જાવાને પગલે મેયર કીરીટ પરમારને સમય સૂચકતા વાપરીને સામાન્ય સભા લંચ બ્રેક માટે મુલતવી રાખવાની ફરજ પડી હતી. જોકે, ભોજનના વિરામ પછી વિપક્ષી નેતા અને રેવન્યુ કમિટીના ચેરમેને બિનસંસદીય શબ્દો પરત ખેંચી લેતાં 'ઘી ના ઠામમાં ઘી ઢળ્યું' હતું અને બજેટ સેશન ફરીથી શરૂ થયું હતું. વિપક્ષી નેતા અને રેવન્યુ કમિટી ચેરમેનના બિનસંસદીય શબ્દપ્રયોગને રેકોર્ડ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
AMC બજેટના બીજા દિવસે ચેરમેન હિતેશ બારોટે રૂ. 9,482 કરોડના બજેટમાં સુધારા અને વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી. વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, નાગરિકો સામે કડક કાર્યવાહી કરી અને સીલ કરે છે તો અદાણીનો રૂ. 12 કરોડનો ટેક્સ બાકી છે તો તેમની કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી ? એવો સણસણતો સવાલ કર્યો હતો. AMCએ અદાણીને રૂ. 16 કરોડમાં 10 પ્લોટ પધરાવી દીધા હતા. BJPના કોર્પોરેટર અને રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે, બચાવમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે અને આ સબજ્યુડીસ મેટર છે. અદાણીની વાત આવે એટલે તરત કોઈને કોઈ ઉભા થઈ જાય છે એવું કહીને શેહજાદખાન પઠાણે બિનસંસદીય શબ્દપ્રયોગ કરવાને પગલે મ્યુનિ. બોર્ડમાં ભાજપના ગણ્યા ગાંઠયા કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો. આ વેળા રેવન્યૂ ચેરમેને પણ વિપક્ષી નેતા માટે બિનસંસદીય શબ્દપ્રયોગ કરતાં કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ આ ઉચ્ચારણોનો જોરદાર વિરોધ કરવા સાથે આક્ષેપબાજી કરવાને પગલે BJP- કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા અને ભારે ધાંધલ- ધમાલભર્યા દ્રશ્યો સર્જાવાને પગલે મામલો બિચકે અને પરિસ્થિતિ બેકાબૂ બને તે પહેલાં મેયરે શાણપણ વાપરીને મ્યુનિ.બોર્ડને ભોજનના વિરામ માટે એક કલાક માટે મુલતવી રાખ્યું હતું.










