પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા 167 કેસ સરકારે પરત ખેંચ્યા છે,પાલનપુરના ગઢ પંથકમાં 167 સામે થઈ હતી ફરિયાદ,તો ગઢ પંથકમાં આંદોલન સમયે 2 યુવકોના થયા હતા મોત અને લોક અદાલત દ્વારા આવતીકાલે ચૂકાદાની નકલ અપાઈ શકે છે,તો સમગ્ર ઘટનાને લઈ કેસ પરત ખેંચતા બનાસકાંઠાના પાટીદારોમાં ખુશીનો માહોલ છવાયો છે.
પાટીદાર નેતા અને અગ્રણીઓ સામે થયેલા રાજદ્રોહના કેસ
વર્ષ 2015માં પાટીદાર સમાજનાં યુવકોને અનામત મળે તે માટે સમાજનાં યુવાનો દ્વારા સરકાર વિરૂદ્ધ રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું, જે હેઠળ ઓગસ્ટ 2015માં અમદાવાદ ખાતે GMDC ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં સમાજનાં યુવકો એકત્ર થયા હતા. આ યુવકોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને અનામતની બુલંદ માંગણી કરી હતી. જો કે, આ આંદોલનને વિખેરવા સરકારે લાઠીચાર્જ પણ કર્યો હતો અને જવાબદાર યુવકો વિરૂદ્ધ રાજદ્રોહ કક્ષાનાં કેસ પણ કર્યા હતા. ધારાસભ્ય હાર્દિક પટેલ, પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ, કેતન પટેલ સહિતનાં નેતા અને સમાજનાં આગેવાનો સામે રાજદ્રોહના કેસ થયા હતા.
ધારાસભ્ય હાર્દિક પટેલે માન્યો આભાર
પાટીદાર અનામત આંદોલન વખતના કેસ પાછા ખેંચાયા હોવાની વાત સામે આવી છે જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો છે.પાટીદાર આંદોલનથી સવર્ણોને ફાયદો થયો છે તેવું હાર્દિક પટેલનું કહેવું છે,સવર્ણોને 10 ટકા EWSનો લાભ મળ્યો છે. 1000 કરોડનું યુવા સ્વાલંબન પેકેજનો લાભ મળ્યો અને હાર્દિક પટેલે PM મોદી અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.
10 ટકા અનામતનો ખરડો પસાર થયો હતો
ભારતીય સંસદમાં ૧૦૩મો બંધારણીય સુધારો 14 જાન્યુઆરી 2019ના રોજ પસાર કરીને આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે 10 ટકા અનામતનો ખરડો પસાર થયો હતો. જે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.ગુજરાત સરકારે પણ સમાન અમલ મૂકવાનો ઠરાવ પસાર કર્યો હતો.૧૨ માર્ચ ૨૦૧૯ના રોજ હાર્દિક પટેલ વિધિવત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઇ ગયો હતો અને ત્યારબાદ તે ભાજપમાં જોડાયો અને અત્યારે વિરમગામ ભાજપનો ધારાસભ્ય છે.









