- કાળાડિબાંગ વાદળો છવાતા સર્જાયો અદભૂત નજારો
- સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ
- સાપુતારામાં બદલાયેલા મોસમથી સહેલાણીઓમાં ખુશી
ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળાડિબાંગ વાદળો છવાતા અદભૂત નજારો સર્જાયો છે. સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા સહેલાણીઓને મોજ આવી ગઇ છે. સાપુતારામાં બદલાયેલા મોસમથી સહેલાણીઓમાં ખુશી છે. વેકેશનના કારણે સાપુતારામાં સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

ડાંગ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો
ગિરિમથક સાપુતારા સહીત ડાંગ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા આહલાદક માહોલ સર્જાયો છે. ગિરિમથક સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડુ વાતાવરણથી ખુશનુમાં માહોલ સર્જાયો છે. ગિરી કંદરામાં ધુમ્મસની ચાદર પથરાતા મીની કશ્મીરનો અહેસાસ થયો છે. ધુમ્મસિયા માહોલ વચ્ચે ઠંડીના ચમકારાથી પ્રવાસીઓમાં ખુશી છવાઈ છે. સાપુતારા એ ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે. આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે.

આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે
આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે 1000 મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે 30 ડીગ્રીથી ઓછું રહે છે. અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.









