- ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો
- 25મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બ્રિજનું લોકાર્પણ
- પ્રવાસીઓ તથા શ્રદ્ધાળુઓ નિહાળી અભિભૂત થયા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા દ્વારકા નગરીમાં થનગનાટ જોવા મળ્યો છે. જેમાં ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો છે. મોહનની નગરીનાં મનમોહક દૃશ્યો સામે આવ્યા છે.
ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાનને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. ગોમતી ઘાટ ખાતે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું છે. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દેવભુમિ દ્વારકા તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દ્વારકાના ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. જેને પ્રવાસીઓ તથા શ્રદ્ધાળુઓ નિહાળી અભિભૂત થયા હતા.
25મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બ્રિજનું લોકાર્પણ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભગવાન શ્રીકૃષ્ણનુ નિવાસ્થાન બેટ દ્વારકા દરિયાની વચ્ચે આવેલુ છે. ત્યાં આવાગમન માટે એકમાત્ર દરીયાઇ રસ્તો હોવાથી માત્ર બોટ દ્વારા જ અવર જવર થઇ શકે છે. ત્યારે બેટ દ્વારકાને ભૂમાર્ગે જોડતા બ્રિજના નિર્માણ સાથે તેના લોકાર્પણની બેટ ગામમાં રહેતા આશરે 12 હજાર લોકો જેની આતુરતા રાહ જોઈ રહ્યાં હતાં તે બ્રિજનું 25મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે.









