સ્માર્ટ, હાઈટેક અને પેપરલેસ પોલીસ મથક બનાવવાની વાત કરતી શહેર પોલીસની વરવી વાસ્તવિકતા સામે આવી છે,અમદાવાદ શહેરની કુલ વસ્તી 90 લાખને આંબી ગઈ છે અને અમદાવાદના શહેરીજનોની સુરક્ષા માટે પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે, જે પોલીસ સ્ટેશનોની સંખ્યા દિવસ અને દિવસે વધી રહી છે પરંતુ આવા પોલીસ મથકોમાં પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ માટે પૂરતી વ્યવસ્થા નથી.
અમદાવાદના પોલીસ સ્ટેશનની વરવી વાસ્તવિકતા
એટલે કે ન તો પોલીસ સ્ટેશનના બિલ્ડિંગના ઠેકાણા છે ન તો પોલીસ મથકમાં ફરવાયેલા સ્ટાફ માટે કામ કરવાની પૂરતી જગ્યા,વળી અમદાવાદના કેટલાક પોલીસ મથકો તો ભાડાની બિલ્ડિંગમાં તો ક્યાંક,એક બિલ્ડિંગમાં બે પોલીસ સ્ટેશન ચલાવવા પડે તેવી સ્થિતિ છે.ત્યારે સંદેશ ન્યુઝે અમદાવાદના ત્રણ પોલીસ મથકનું રિયાલિટી ચેક કરતાં વરવી વાસ્તવિકતા સામે આવી.
અમદાવાદનું એરપોર્ટ પોલીસ સ્ટેશન જુઓ
વર્ષ 2018માં સરદાર નગર પોલીસ સ્ટેશનના વિસ્તારના બે ભાગ કરી એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું જેને પાંચ વર્ષ જેટલો સમય વિતવા છતાં હજી સુધી કન્ટેનરમાં અને નાની નાની રૂમોમાં પોલીસ મથક ચલાવવામાં આવી રહ્યું છે.જે પોલીસ મથક બનાવવા માટે જગ્યા તો ફાળવવામાં આવી છે,પરંતુ હજી સુધી પોલીસ સ્ટેશન ક્યારે બનશે તેનો કોઈ ઠેકાણું નથી.
અમદાવાદનું નારાણપુરા પોલીસ સ્ટેશન જુઓ
નારણપુરા પોલીસ સ્ટેશનનું ક્ષેત્રફળ અને માનવ વસાહત વધતા 2016માં વાડજ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું જે બાદ વાડજ પોલીસ સ્ટેશનનું બિલ્ડીંગ પણ તૈયાર થઈ ગયું,પરંતુ જે નારણપુરામાંથી વાડજ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું, તે જ નારણપુરા પોલીસ મથકની બિલ્ડીંગ ખાલી કરતા વાડજ પોલીસ સ્ટેશનમાં જ નારણપુરા પોલીસ મથક શરુ કરવામા આવ્યું અને હવે સ્થિતિ એવી છે કે,બે પોલીસ સ્ટેશનના 200 જેટલા પોલીસ કર્મચારીઓ એક જ ઇમારતમાં બેસી બે પોલીસ મથકનું કામકાજ કરી રહ્યા છે,ઉપરાંત બંને પોલીસ મથકના આરોપીઓ પણ એક જ લોકઅપમાં રાખવા પોલીસ મજબૂર બની છે.
અમદાવાદનું આનંદનગર પોલીસ સ્ટેશન જુઓ
કદાચ સાંભળીને નવાઈ લાગશે કે કોઈ પોલીસ સ્ટેશન શરૂ થયે 14 વર્ષ થયા હોય અને તેની પોતાનું કોઈ ઈમારત કે બિલ્ડીંગ ન હોય અને તેને ભાડાની બિલ્ડિંગમાં ચલાવવી મજબૂરી બની ગઈ હોય,કારણ કે આવું જ એક પોલીસ સ્ટેશન અમદાવાદનું આનંદ નગર પોલીસ સ્ટેશન છે,જે વર્ષ 2011માં સેટેલાઈટથી અલગ થયું ત્યારથી જ ભાડાની બિલ્ડીંગોમાં ચાલી રહ્યું છે,અગાઉ નહેરૂનગર પાસે આવેલી ઈમારતમાં ચાલતું હતું,ત્યારબાદ 2020માં કોર્પોરેટ બિલ્ડિંગની એક ઓફિસમાં ભાડે ચલાવવામાં આવી રહ્યું છે,જેનું દર મહિને અંદાજિત 50,000 રૂપિયા ભાડું ચૂકવવામાં આવે છે,ઉપરાંત આ પોલીસ મથકમાં લોકઅપ સુધાની વ્યવસ્થા નથી જેથી ઝડપાયેલા આરોપીઓને સેટેલાઈટ પોલીસ મથકના લોકઅપમાં રાખવા પડે છે,મહત્વનું છે કે આનંદનગર પોલીસ સ્ટેશન બનાવવા માટેની દરખાસ્ત અગાઉ મંજૂર પણ થઈ ચૂકી છે જેના માટેનો પ્લાન પણ બનાવી દેવામાં આવ્યો છે અને જગ્યા પણ ફળવાઈ ગઈ છે તેમ છતાં હજી સુધી પોલીસ સ્ટેશન બનાવવાની પ્રક્રિયા શરૂ નથી થઈ જે પોલીસ અને પોલીસ મથકમાં આવતી પબ્લિક બંને માટે હેરાનગતિ રૂપ બન્યું છે.









