- માતરમાં થાંભલે બાંધી દંડાવાળી મુદ્દે ખેડા SP અને PIનું HCમાં બચાવનામું
- નવરાત્રિ વખતે પથ્થરમારાની ઘટના ઉશ્કેરણીનું પૂર્વયોજિત કાવતરું હતું
- કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના ભાગરૂપે તેઓને દબોચવામાં આવ્યા
ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંધેલા ગામે પથ્થરમારાના વિવાદમાં પોલીસ અત્યાચાર મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં ખેડાના એસપી આર.એચ.ગઢિયા અને ખેડા એલસીબીના પીઆઇ એ.વી.પરમારે અલગ અલગ સોંગદનામાં રજૂ કર્યા હતા. જેમાં એવો ખુલાસો કરાયો હતો કે, ગયા વર્ષે નવરાત્રિ દરમ્યાન ઉંધેલા ગામે ગરબા દરમ્યાન પથ્થમારાની આખીયે ઘટના હિન્દુ સમુદાયને ઉશ્કેરવા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ડહોળવા માટેનું પૂર્વ આયોજિત કાવતરું હતું. આરોપીઓએ ઉંધેલા ગામે માતાજી ચોકને ઘેરી લીધો હતો અને પથ્થરમારો કર્યો હતો અને તેમાં આઠ સ્થાનિક લોકો અને ત્રણ પોલીસ જવાનો ઘાયલ થયા હતા.
ખેડાના એસપી આર.એચ.ગઢિયા અને ખેડા એલસીબીના પીઆઇ એ.વી.પરમારે અલગ અલગ સોંગદનામાં રજૂ કરી જણાવ્યું હતું કે, પોલીસે આ કેસમાં આરોપીઓને ગુનાહિત ઇરાદાથી માર્યા ન હતા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના ભાગરૂપે તેઓને દબોચવામાં આવ્યા હતા. આ કેસમાં એક પીઆઇ સહિત છ પોલીસ જવાનો દોષિત ઠર્યા છે, તેમની સામે ખાતાકીય તપાસ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. ગયા વર્ષે ઓકટોબર મહિનામાં નવરાત્રિ દરમ્યાન મુસ્લિમ યુવકો દ્વારા સ્થાનિક લોકો અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને શાંતિનું વાતાવરણ ડહોળવામાં આવ્યું હતું. જયારે આઠ આરોપીઓને તપાસ માટે ઉંધેલા લાવવામાં આવ્યા ત્યારે તેઓએ પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે ગેરવર્તણૂંક કરી તેમના અપમાનનો પ્રયાસ કર્યો હતો.










