• આજે વધુ છ રખડતા ઢોર પકડયા, છતાં શહેરમાં હજુ રખડતા પશુઓનો ત્રાસ યથાવત્

  • 100 પૈકી માત્ર ત્રણ જ પશુઓને તેના માલિકોએ છોડાવ્યા
  • શહેરમાં રખડતા પકડાયેલા પશુઓ પૈકી ત્રણ પશુઓના મોત નિપજ્યા

આણંદ શહેરમાં રખડતા પકડાયેલા પશુઓ પૈકી ત્રણ પશુઓના મોત નિપજ્યા છે. ડબ્બામાં અને પાંજરાપોળમાં રાખવામાં આવેલા આ ઢોરની થોડા દિવસ અગાઉ તબિયત લથડતા સારવાર કરાવી હતી. જોકે, પાલિકાએ આ બનાવ પછી પણ હિંમત હાર્યા વિના શહેરમાંથી રખડતા ઢોરને પકડવાની ઝૂંબેશ ચાલુ રાખી હોવાનું જણાવ્યું છે. આજે પણ વધુ છ ગાયો પકડીને ડબ્બામાં લઈ જવામાં આવી છે. અત્યાર સુધી શહેરમાંથી લગભગ એકસો જેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યા છે.

હાઈકોર્ટના ફરમાન બાદ રાજ્યના અન્ય સ્થળોની જેમ આણંદ પાલિકાએ રખડતા પશુઓ પકડવાનું અભિયાન માંડ શરૂ કર્યું છે. અગાઉ પકડવામાં આવેલા ઢોર પૈકી બે ગાય અને એક સાંઢ મળી ત્રણ પશુઓના મોત નિપજ્યા હોવાના અહેવાલો બહાર આવ્યા છે. પકડાયેલા ઢોરને તેના માલિકો છોડાવી જતા ન હોવાથી ઢોરનું પાલન કરવા ઉપરાંત તેમના આરોગ્યની કાળજીનો પ્રશ્ન પણ જટિલ બન્યો છે. આ સ્થિતિ વચ્ચે ત્રણ પશુઓની તબિયત લથડતા તેની સારવાર કરાવવામાં આવી હતી. પરંતુ તેમને બચાવી શકાયા ન હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

જોકે, આ ઘટના પછી પણ પાલિકાતંત્ર ઢોર પકડવાની ઝૂંબેશ જારી હોવાનું અને આજે વધુ છ રખડતા ઢોરને પકડીને ડબ્બામાં લઈ જવાયા હોવાનું જણાવે છે, તો બીજી બાજુ શહેર હજુ રખડતા ઢોરની ચુંગાલમાંથી મુક્ત થયું નથી તેવું જાગૃતજનો જણાવે છે.

આણંદ શહેરના સો ફૂટ તથા એંસી ફૂટનો રોડ, ઈન્દિરા સર્કલની આસપાસ, ગ્રીડથી લઈ વિદ્યાનગર રોડ, લોટિયા ભાગોળ, તળાવ વિસ્તાર, ગણેશ ચોકડી, બોરસદ ચોકડી, અમૂલ રોડ સહિત જૂના તથા નવા બસ મથક અને રેલવે સ્ટેશન વિસ્તારની આસપાસ રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ વાહનચાલકો અને રાહદારીઓને રંજાડે છે.

અત્યાર સુધીમાં પાલિકાએ એકસો જેટલા પકડેલા રખડતા ઢોર પૈકી ફક્ત ત્રણ પશુઓને તેના માલિકો છોડાવી ગયા છે. હજુ પણ શહેરમાં રખડતા પશુઓના કારણે અકસ્માત થવાની દહેશત લોકોને સતાવે છે.


  • Follow us on: