- વેપારી સીજી રોડ પરથી આંગડિયું લઈ જતા હતા ત્યારે કારને આંતરી
- અકસ્માત કરીને જતો રહો છો તેમ કહીને વેપારી સાથે બોલાચાલી
- લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
પિરાણા રોડ પર કેમિકલની ફેકટરી ધરાવતા વેપારી સીજી રોડ પર આવેલા આંગડિયા પેઢીમાંથી પેમેન્ટ લઇને ઘરે જતા હતા ત્યારે ત્રણ શખ્સોએ કારને આંતરીને તમે અકસ્માત કરીને જતો રહો છો તેમ કહીને વેપારી સાથે બોલાચાલી કરી હતી. આ દરમ્યાન ત્રણ પૈકી એક શખ્સ કારનો કાર તોડીને રૂ.5.50 લાખ ભરેલ બેગ લૂંટી લીધી હતી. ત્યારબાદ ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે વેપારીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.શ્યામલ ચાર રસ્તા પાસે રહેતા દેવેશ ઇન્દ્રવદનભાઇ શાહ પીરાણા ખાતે શ્રીપોલિમર્સ નામથી ફેકટરી ધરાવીને કેમિકલ મેન્યુફેક્ચરિંગને લગતો વેપાર કરે છે. તેઓ 26 સપ્ટેમ્બરે મંગળવારે સાંજે ઓફિસથી ઘરે જવા માટે નીકળતા હતા ત્યારે સીજી રોડ પર આવેલ પી.જીતેન્દ્ર આંગડિયા પેઢીમાંથી ફોન આવ્યો કે, મુંબઈથી તમારા મિત્ર કિષ્નકાંતભાઇ અગ્નિહોત્રીએ પાંચ લાખનું પેમેન્ટ મોકલ્યું છે. આથી દેવેશભાઇ કાર લઇને પી. જિતેન્દ્ર આંગડિયા પેઢી પહોંચ્યા હતા. ત્યાંથી દેવેશભાઇ પેમેન્ટ લઇને કાર લઇને ઘરે જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક એક્ટિવા ચાલક હેલમેટ પહેરીને કારનો પીછો કરીને અવાર નવાર પાછળના કાચ ખખડાવતો હતો, પરંતુ દેવેશભાઇ કાર ઊભી રાખતા ન હતા. પરંતુ માણેકબાગથી શ્યામલ ચાર રસ્તા જવા તરફના રોજ પર દેવેશભાઇની કાર આગળ ત્રણ શખ્સોએ એક્ટિવા ઊભી કરી દીધી હતી.










