- ક્ષત્રિય બહેનો દ્વારા જૌહરની જાહેરાતને પગલે કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયું
- કમલમ આસપાસ આસપાસ 100થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત
- બહેનો દ્વારા કોબા કમલમ ખાતે જૌહર કરવાની જાહેરાત કરી હતી
ક્ષત્રિય સમાજની લાગણી દુભાવતી ટિપ્પણી મુદ્દે રાજ્યભરમાં પરષોત્તમ રૂપાલા સામે રોષની લાગણી ફેલાઈ છે. રૂપાલાની ટિકિટ રદ્દ ન થાય તો બહેનો દ્વારા કોબા કમલમ ખાતે જૌહર કરવાની જાહેરાત કરી હતી. જેને પગલે શનિવારે કમલમ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. બીજી તરફ જૌહરની જાહેરાત કરનાર બહેનોની અમદાવાદ ખાતે પોલીસ દ્વારા નજરકેદ કરી દેવાઈ હતી. આમ છતાં અન્ય ત્રણ બહેનો પોલીસની નજરથી બચીને કમલમ સુધી પહોંચી ગઈ હતી. જેને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તાત્કાલિક બહેનોને દૂર લઈ જવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટીપ્પણી મુદ્દે ફેલાયેલો રોષ સમવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા લાંબા સમયથી આંદોલાત્મક કાર્યક્રમ આપવામાં આવી રહ્યાં છે. પરષોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવા જતાં ક્ષત્રિય સમાજ માફી આપવાના મૂડમાં દેખાતો નથી.










