- રિવરફ્રન્ટ પર રમણીય નજારો જોવા મળ્યો
- જીવરાજપાર્કમાં રોડ બેસી જતા ટ્રક ફસાઈ
- દિવસભર ધુમ્મસભર્યો માહોલ છવાયો
રવિવારે પરોઢિયે વાતાવરણમાં પલટો આવતા અમદાવાદ 'હિલ સ્ટેશન' બન્યું હોવાનો અમદાવાદીઓએ અહેસાસ કર્યો હતો. સવારથી જ વીજળીના કડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. બપોરે વિરામ બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરમાં સરેરાશ દોઢથી પોણા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ધુમ્મસને પગલે વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને વાહન હંકારતા મુશ્કેલી વેઠવી પડી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારો અને રોડ સાઇડમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. કેટલાક રોડ બેસી જતા વાહનોના ટાયરો ફસાયા હતા.










