• બનાસકાંઠામાં 1 કરોડ સીડબોલનું વાવેતર કરાશે : વિધાનસભા અધ્યક્ષ

  • બનાસકાંઠા જિલ્લાના 16 તાલુકાના ખેડૂતોની ટીમો અભિયાનમાં અગ્રેસર
  • સમગ્ર જિલ્લામાં એક કરોડ જેટલા વૃક્ષો સીડ બોલ થકી વાવવામાં આવશે

 અરવલ્લીની ગિરીમાળાઓ અને ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત આજુબાજુ આવેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી સીડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અધ્યક્ષે બૃહદ બનાસકાંઠા જિલ્લાના 16 તાલુકાના ખેડૂતોની ટીમોને સીડ બોલનું વિતરણ કરી આ અભિયાનની શરૂઆત કરાવી હતી.

આ અંગે શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે વન વિભાગ અને બનાસ ડેરીએ વૃક્ષારોપણ માટે અભિયાન ઉપાડયું છે. ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી સીડ બોલ વાવીને વનરાજીનો વિસ્તાર વધારવો છે. જિલ્લાને હરિયાળો બનાવવા બનાસ ડેરીના માધ્યમથી છેલ્લા ત્રણેક વર્ષથી ખેડૂતોએ અભિયાન ઉપાડયું છે. ટેક્નોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું છે. માં જગદંબાના સાનિધ્યમાં વૃક્ષારોપણ કરી સૂકા પર્વતોએ લીલી ચાદર ઓઢી હોય તેવા લીલાછમ- હરિયાળુ બનાવવા અનુરોધ કર્યો હતો.

 આ પ્રસંગે બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઇ રબારી, બનાસ ડેરીના બોર્ડ ઓફ્ ડિરેક્ટર, નાયબ વન સંરક્ષક પરેશ ચૌધરી, દાંતા પ્રાંત અધિકારી અને અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા સહિત વન વિભાગ અને બનાસ ડેરીના અધિકારી- પદાધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિતિ રહ્યા હતા.

અંબાજીમાં 10 લાખ સીડબોલથી શરૂઆત

અંબાજી ઉત્તર રેંજના આરએફ્ઓ જીતેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી 500 વ્યક્તિઓ તથા ડ્રોન દ્વારા 10 લાખ જેટલા સીડ બોલનું અંબાજી પંથકના જંગલોમાં વાવેતર કર્યું છે. સમગ્ર જિલ્લામાં એક કરોડ જેટલા વૃક્ષો સીડ બોલ થકી વાવવામાં આવશે.


  • Follow us on: