બનાસકાંઠા જિલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, ભારત સરકાર દ્વારા નાગરિક સંરક્ષણ અધિનિયમ-૧૯૬૮ અને નાગરિક સંરક્ષણ નિયમો-૧૯૬૮ મુજબ શત્રુ હુમલા સામે વ્યક્તિ અને મિલકતના રક્ષણ માટે નાગરિક સંરક્ષણ સેવાના સભ્ય તરીકે જોડાવવા માટે નીચે મુજબની પાત્રતા નકકી કરવામાં આવેલ છે.
અરજી કરનારને અક્ષર જ્ઞાન હોવુ જોઈએ
જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં નાગરિક સંરક્ષણ વિભાગમાં નિમણૂક માટે અરજી કરવા માંગતી વ્યક્તિએ નીચેની શરતો પરિપૂર્ણ કરવી આવશ્યક બને છે. જેમાં તે ભારત, સિક્કિમ, ભૂટાન અથવા નેપાળનો નાગરિક હોવો જોઈએ, તેમણે ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરી હોવી જોઈએ. (સક્ષમ અધિકારીના વિવેકબુદ્ધિથી મહત્તમ ૩ વર્ષ સુધી છૂટછાટ' આપી શકાય છે.) તેણે ઓછામાં ઓછું પ્રાથમિક ધોરણ, એટલે કે ચોથુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ તથા અક્ષર જ્ઞાન હોવુ જોઈએ, નાગરિક સંરક્ષણ વિભાગમાં નિમણૂક માટે પુરૂષ અને સ્ત્રીઓ બંને પાત્ર રહેશે. કોઈ વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ અને માનસિક રીતે સતર્ક ન હોય ત્યાં સુધી તેને કોર્પ્સમાં નિમણૂક મળવાનો હક રહેશે નહીં. રાષ્ટ્રીય સ્વયંસેવક દળ (નેશનલ વોલેન્ટીયર્સ ફોર્સ) અને સંઘના સશસ્ત્ર દળોમાં કોઈપણ સેવા એક ખાસ લાયકાત રહેશે. નિવૃત સૈનિકો, એન.સી.સી., એન.એસ.એસ. કેડર, આપદા મિત્ર તથા સિક્યુરિટી સર્વિસમાં ભાગ લીધેલ હોય તેમને પ્રાથમિકતા અપાશે.
ગુગલ સીટમાં ભરવાની રહેશે માહિતી
બનાસકાંઠા જિલ્લામાં નાગરિક સંરક્ષણ સેવામાં સભ્ય તરીકે નોંધણી માટેની માહિતી ગુગલ સીટમાં https://forms.gle/swpT7XcLtkFdGLao9 ભરવાની રહેશે. ગૂગલ સીટમાં માહિતી સબમિટ કર્યા બાદ નમૂના- અ મુજબની નિયત નમુનાની અરજી જરૂરી તમામ આધાર-પુરાવાઓ તથા સ્વ-ઘોષણા સહીત કરવાની રહેશે. અરજી ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારે કરી શકાશે. જેમાં ઓનલાઇન અરજી કરવા માટે https://mybharat.gov.in વેબસાઇટ પર કરી શકાશે. અરજી ફોર્મની તમામ વિગતો, જરૂરી આધાર-પુરાવાઓ તથા સ્વ-ઘોષણા સાથે ઓફલાઇન અરજી આપના લાગુ પડતા વિસ્તારના તાલુકા મામલતદાર કચેરીએ પણ જમા કરી શકાશે.
નકલ મામલતદાર કચેરીએથી મળી શકશે
અરજી ફોર્મ તથા સ્વ-ઘોષણાની નકલ મામલતદાર કચેરીએથી કચેરી સમય દરમિયાન મેળવી શકાશે. આ અરજી તા.૧૪/૦૫/૨૦૨૫ થી તા.૨૬/૦૫/૨૦૨૫ સુધી કચેરી સમય દરમ્યાન સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાની રહેશે. મામલતદાર કચેરીએ આ સમયગાળા દરમ્યાન અરજી લગત અલગથી હેલ્પ ડેક્સ ઉભુ કરાશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.