- અમદાવાદ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ
- ટ્રાફિક પોલીસે શરૂ કરી નવી પહેલ
- પરમિટ વિના ફરતા મોટા વાહનો પર કાર્યવાહી
હાલના દિવસોમાં જ અમદાવાદ શહેરમાં ભારે વાહનથી થયેલા અકસ્માતમાં 2 મહિલાઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આવી ઘટનાઓ શહેરમાં બનતી અટકે તે ઉદ્દેશથી શહેર ટ્રાફિક પોલીસે ભારે વાહનો માટે સ્પેશિયલ દ્રાઈવ યોજી કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં સવારના 8થી રાત્રીના 10 વાગ્યા સુધી ભારે વાહનોને પ્રવેશબંધી માટે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું અમલી છે તેમ છતાં ખાનગી બસો અને માલવાહક ટ્રકો બેરોકટોક શહેરમાં ફરતાં હોય છે જેના કારણે શહેરમાં અકસ્માતોની વણઝાર થંભતી નથી. આ પરિસ્થિતિમાં પરમિટ વિના શહેરમાં ફરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવા માટેના આદેશ ઉચ્ચ અધિકારી તરફથી આપી દેવામાં આવ્યા છે જેના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભારે વાહનોના ગેરકાયદે પ્રવેશના કેસમાં IPC કલમ 188 અને GP એક્ટ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ ભારે વાહનોની અવરજવર રહેતી હોવાથી આ વિસ્તારોમાં સૌથી વધુ કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2022માં ભારે વાહનોના ગેરકાયદે પ્રવેશ બદલ કુલ 461 કેસ કરવામાં આવ્યા હતા જ્યારે વર્ષ 2023માં આ કામગીરી દરમ્યાન એક હજાર કેસો વધારે કરીને અત્યાર સુધીમાં કુલ 1461 કેસ કરવામાં આવ્યા છે. પૂર્વ અમદાવાદમાં કુલ 6 ટ્રાફિક પોલીસ સ્ટેશન આવેલા છે જેમાં જરૂર મુજબનો પોલીસ સ્ટાફ ન હોવાને કારણે પણ ટ્રાફિકનું નિયમન કરવામાં મુશ્કેલી અનુભવાતી હોય છે.
શહેરમાં ભારે વાહનોથી અકસ્માતમાં મૃત્યુના જે બનાવો બન્યા છે તેમાં મોટા ભાગના અકસ્માતો પરમિટ વાળા ભારે વાહનોથી થયા છે. આ પરિસ્થિતિમાં પરમિટ વાળા ભારે વાહનોથી થતા અકસ્માત રોકવા માટેનું પ્લાનિંગ પણ ટ્રાફિક પોલીસ કરી રહી છે.