- સ્માર્ત અને વૈષ્ણવ એકાદશીને લઇને પણ મતમતાંતર
- ભીમ સાથે સંકળાયેલી દંતકથાને કારણે ભીમસેની એકાદશીની ઉજવણી
- દંતકથાને આધીન શુક્રવારે ભીમસેની એકાદશીની ઉજવણી
હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતી ભીમ એકાદશીની આવતી કાલે શુક્રવારે ઉજવણી થશે. દરમિયાન માન્યતા અને પરંપરાને આધીન શ્રાદ્ધાળુઓ આખો દિવસ નિર્જળા રહીને ભીમ અગિયારસ ઉજવશે. જોકે, આ વર્ષે એકાદશીનો ક્ષય અને તિથિના વિચિત્ર સંયોગ વચ્ચે શુક્રવારે ભીમ અગિયારસની ઉજવણી થશે. સ્માર્ત અને વૈષ્ણવ એકાદશીને લઇને પણ મતમતાંતર જોવા મળી રહ્યા છે. દરમિયાન મહાભારતમાં ભીમ સાથે સંકળાયેલી દંતકથાને આધીન શુક્રવારે ભીમસેની એકાદશીની ઉજવણી થશે.
હિન્દુ સમુદાયમાં નિર્જળા એકાદશી સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે. નિર્જળા એટલે પાણી વિના અને આ દિવસે ઘણા ભક્તો પાણીનું ટીપુ પણ લીધા વિના ઉપવાસ કરે છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુના આશિર્વાદ મેળવવા માટે મનાવવામાં આવે છે. આચાર્ય ભાવિનભાઇ પંડયાના જણાવ્યા મુજબ, એકાદશી તીથી 10 જૂનના રોજ સવારે 7.25 વાગ્યે શરૂ થશે અને 11 જૂનના રોજ સવારે 5.45 વાગ્યા સુધી ચાલશે. હિન્દુ માન્યતા અનુસાર નિર્જળા એકાદશીના દિવસે વ્રત રાખવાથી વર્ષમાં બધી એકાદશીના ઉપવાસનો લાભ મળે છે. જો તમે વર્ષમાં તમામ 24 એકાદશીનું વ્રત ન કરી શકો તો તમારે માત્ર એક જ નિર્જળા એકાદશી વ્રતનું પાલન કરવું જોઇએ. મહાભારતમાં વર્ણન પ્રમાણે પાંડવોના બીજા ભાઇ ભીમ સાથે સંકળાયેલી દંતકથાને કારણે તેને ભીમસેની એકાદશી કહેવાય છે.










