- સમગ્ર દ્વારકા શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા
- ગોમતી ધાટ પર વરસાદી પાણીનાં ઝરણા વહેતા થયા
- દ્વારકાના કલ્યાણપુરમાં આભ ફાટ્યું છે
યાત્રાધામ દ્વારકામાં ફરીથી ભારે વરસાદ આવ્યો છે. જેમાં સમગ્ર દ્વારકા શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. તેમાં ગોમતી ધાટ પર વરસાદી પાણીનાં ઝરણાં વહેતા થયા છે. દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદને લઇ સમગ્ર દ્વારકા શહેર માં વરસાદી પાણી આવતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. ભગવાન દ્વારકાધીશના શિખર પરથી આકાશી ગંગાના નિર ખળભળાટ સાથે સ્વર્ગ દ્વાર 56 સીડી પર વહેતા થયા છે.
ગોમતી ધાટ પર વરસાદી પાણીનાં ઝરણાં વહેતા થયા
ભગવાન દ્વારકાધીશ મંદિર સ્વર્ગ દ્વાર 56 સીડી પર વરસાદી પાણી ઝરણાની માફક આવતા સ્થાનિક લોકો નાહવાની મોજ માણી રહ્યા છે. દ્વારકામાં આવેલ ગોમતી ધાટ પર વરસાદી પાણીનાં ઝરણાં વહેતા થયા છે. જેમ હિલસ્ટેશનો પર ઝરણા વહેતાં હોય છે તે યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદને પગલે ઝરણા વહેતા થયા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે, આજે 6 કલાકમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં પણ દ્વારકાના કલ્યાણપુરમાં આભ ફાટ્યું છે.
કલ્યાણપુર છ કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર
ગઇકાલે કલ્યાણપુર છ કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર થઇ ગયું હતુ. છેલ્લા બે દિવસ દરમ્યાન જિલ્લામાં દ્વારકા બાદ કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. સાંબેલાધારે વરસાદ વરસતા બપોરે 12 વાગ્યા ભારે વરસાદ આવ્યો છે. તાલુકાના લાંબા, ભોગાત, ટંકારીયા, પાનેલી, કેનેડી વગેરે ગામોમાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી જતા અનેક ખેતરોનું ધોવાણ થયું હતું. ભારે વરસાદના પગલે જિલ્લા પ્રશાસન દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે ચાર વ્યક્તિ અને ટંકારીયા ગામે ચાર વ્યક્તિને તંત્ર દ્વારા રેસ્ક્યુ મારફતે બચાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાનેલી ગામે ભયાવહ પાણીમાં ફસાઈ ગયેલા ત્રણ ગ્રામજનોને જિલ્લા કલેક્ટર જી.ટી.પંડયાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદ લઈને હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ ઓપરેશન કરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.









