- અમદાવાદમાં વરસાદ બાદ પણ હાલાકી યથાવત
- ગોદરેજ ગાર્ડનસીટી વિસ્તારમાં ટ્રાફિક જામ
- ત્રાગડ અને વૈષ્ણોદેવી અંડરપાસમાં પાણી ભરાતા સર્જાઈ મુશ્કેલી
અમદાવાદના પોશ વિસ્તાર એવા ગોદરેજ ગાર્ડન સીટીના સ્થાનિકો કંટાળી ગયા છે,પહેલા પાણી ભરવાની સમસ્યા અને ત્યારબાદ પાણી ઉતર્યા તો હવે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે,ઓફીસ જવાના સમયે ટ્રાફિક જામ થતા વાહનચાલકો રોડ પર અટવાયા છે,ગોદરેજ ગાર્ડન સીટી વિસ્તારમાં સતત બીજા દિવસે ટ્રાફિક જામની સમસ્યાથી સ્થાનિકો કંટાળી ગયા છે.
સ્થાનિકોએ અંદરના રોડ તરફ ડાયવર્ટ થયા
વૈષ્ણોવદેવી અંડર પાસ બંધ થતા સ્થાનિકો અંદરના રોડ તરફ ડાયવર્ટ થયા છે.એસ.જી.હાઇવે તરફ જતા લોકો ગોદરેજ ગાર્ડન સીટી તરફ ડાયવર્ટ થયા છે.ગોદરેજ ગાર્ડનસીટી વિસ્તારમાં વાહનનો રૂટ બદલાયો તેમજ ટ્રાફિક વધ્યો છે.પોલીસ ચોકી હોવા છતાં પોલીસ કર્મચારીઓ ડયુટી પર દેખાતા નથી જેના કારણે પીક અવર્સમાં ભારે ટ્રાફિકથી વાહનચાલકોમાં રોશ જોવા મળ્યો છે.આ સમસ્યા રોજની છે પોલીસ કર્મીઓ પણ ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા નથી.

ચાર રસ્તા પર પોલીસચોકી પણ કોઈ પોલીસકર્મી નહી
ગોદરેજ ગાર્ડન સીટીના ચાર રસ્તા પાસે જ પોલીસ ચોકી છે પણ પોલીસ કર્મી હાજર નહી હોવાથી લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે,ઓફીસ જવાના સમયમાં ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકોમાં રોશ જોવા મળી રહ્યો છે,આ સમસ્યા કોઈ એક વખતની નથી સામન્ય વરસાદમાં પણ કોઈ પોલીસકર્મી હાજર રહેતા નથી અને ટ્રાફિકજામ સર્જાય છે તેવો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરવામાં આવ્યો છે,પોલીસ પણ તેની ફરજ સમય પ્રમાણે કરે તે જરૂરી બન્યું છે,જો સમય પ્રમાણે પોલીસ તેના પોઈન્ટ પર હાજર નહી રહે તો ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહેશે અને લોકો ઓફીસ મોડા પહોંચશે.
રસ્તાએ લીધું ખાડાનું સ્થાન ?
કહેવાતા સ્માર્ટ સીટીના દાવા પોકળ સાબિત થયા છે,તમે પણ જગતપુર અને ગોદરેજ ગાર્ડનસીટી રોડ પર જશો તો તમને પણ અનુભવ થશે કે આ રોડ કેટલી હદે ખરાબ છે,થોડાક જ વરસાદમાં વિકાસની વાસ્તવિકતા સામે આવી છે.વરસાદ બાદ સ્માર્ટ શહેરની શરમજનક સ્થિતિ થઈ ગઈ છે.જ્યાં જુવો ત્યાં રોડના બદલે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.ગોદરેજ ગાર્ડન સીટી, જગતપુર, છારોળી,વંદે માતરમ સહિતના વિસ્તારોમાં રોડ કરતા ખાડાઓનું પ્રમાણ વધુ છે જેના કારણે સ્થાનિકોને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે.









