- ટાયર કિલર બમ્પનો ઉકેલ શોધી લીધો
- કાયદો તોડતા લોકોને પકડવા CCTV મૂકો
- સરકાર મજબૂત પગલાં ભરે તે જરૂરી
એક તરફ રાજ્યમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી પર આજે સુનવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસને ટકોર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, કાયદો તોડનારા બેફામ બન્યાં છે પોલીસે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
આ સાથે જ હાઈકોર્ટે પોલીસને કાયદાનો કડક અમલ કરવા ટકોર કરી હતી. કોર્ટે સુનાવણીમાં ટકોર કરતાં કહ્યું હતું કે, લોકો નશો કરીને રસ્તા પર ગાડી ચલાવે છે જેને લીધે હિટ એન્ડ રનના બનાવો બને છે.પોલીસ માત્ર અલગ-અલગ ડ્રાઈવ કરશે એટલું જ પૂરતું નથી. સારા નાગરિકની વર્તણૂંક કેવી હોય તેનું ભાન લોકોને કરાવવું પડશે.
ટાયર કિલર્સ નાંખ્યા તો લોકોએ તેનો પણ તોડ શોધ્યો છે. ત્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.જ્યાં ટાયર કિલર્સ મુક્યા છે ત્યાં CCTV પણ ઈન્સ્ટોલ કરો. CCTV નેટવર્ક મુદ્દે હાઈકોર્ટ સરકારને ટકોર કરી હતી કે CCTV નેટવર્કમાં મોટાભાગનાં CCTV કેમેરા યોગ્ય રીતે નથી લગાવાયા.
CCTV બાબતે સરકારે કહ્યું હતું કે નેશનલ હાઈવે પર CCTV ની જવાબદારી NHAIની છે. તેમજ પોલીસે કરેલી વિવિધ કામગીરીની વિગતો હાઈકોર્ટનાં ધ્યાને મુકાઈ છે. 25 જુલાઈથી 7 ઓગસ્ટ સુધીની વિગતો કોર્ટનાં ધ્યાને મુકાઈ હતી.









