• આણંદ રૂરલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

  • એક ઘરમાંથી રૂ. 2,72,000ની મતાની ચોરી
  • તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના ચોર્યા

આણંદ તાલુકાના બોરવીઆવી ગામમાં તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવ્યાં હતા. જેમાં એક ઘરમાંથી કુલ રૂ. 2,72,000ની અને એક ઘરમાંથી 67,000ની માલમતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

બોરીઆવી ગામમાં આવેલી રાવસાબ કોલોની તળવા સામે રહેતા અરવિંદભાઈ ઉર્ફે ગોટુ હરીશ વાઘેલા વડોદરા ખાતે અક્ષર બિલ્ડિંગમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ મકાનને બંધ કરીને છેલ્લા બે માસથી વડોદરા ગોત્રી ખાતે રહે છે. ગત તા. 8-10-2022ના રોજ તેઓ પોતાની પત્ની અને દીકરી સાથે બોરીઆવી ગામમાં આવ્યા હતા અને બાધા પૂરી કરીને તા. 12-10-2022ના રોજ રાત્રિના અગિયાર વાગ્યાના સમયે વડોદરા ખાતે જતા રહ્યા હતા. તે દરમિયાન સોમવારના સવારના સમયે તેમના ફળિયામાં રહેતા લખન રામજી સુરૈયાનો તેમની પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે. દરવાજાનો નકૂચો તૂટેલો છે અને તાળું નીચે પડેલ છે જેથી, તેઓ વડોદરાથી બોરીઆવી ખાતે દોડી આવ્યા હતા અને પોતાના ઘરમાં જઈને તપાસ કરતાં તિજોરી તૂટેલી હતી અને તેમાં મૂકેલો સરસામાન વેરવિખેર પડેલો હતો.

તેઓએ તપાસ કરતાં સોનાની બુટ્ટી કિંમત રૂ. 15 હજાર, સોનાની બુટ્ટી કિંમત રૂ. 7 હજાર, સોનાની નાકની નથણી નંગ ચાર કિંમત રૂ. 7 હજાર, ચાંદીની લકી નંગ 2 કિંમત રૂ. 6 હજાર, ચાંદીની વાટકી નંગ એક ચમચી નંગ એક કિંમત રૂ. 6 હજાર, સોનાનો નેકલેસ કિંમત રૂ. 6 હજાર, ચાંદીના ઝાંઝર કિંમત રૂ. 15 હજાર તથા ચાંદીની વીંટી કિંમત રૂ. 5 હજાર મળી કુલ રૂ. 67,000ની મતાની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ અંગે અરવિંદભાઈ વાઘેલાએ આણંદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય એક ચોરીના બનાવમાં બોરીઆવી જવાહર ચોક, બેંક ઓફ બરોડાની બાજુમાં રહેતા પ્રિતેશકુમાર મનહરભાઈ પટેલ રહે છે. તા. 15મીના રોજ સાંજના તેઓ પરિવાર સાથે બાલાસિનોર સાસરીમાં ગયા હતા. ત્યારે સવારના સમયે તેમના પપ્પાએ ફોન કરીને જણાવેલ કે આપણા ઘરમાં ચોરી થયેલ છે તેથી બોરીઆવી આવીને તપાસ કરતાં ઘરના દરવાજાનો નકૂચો તૂટેલ હતો અને તાળું નીચે પડેલ જેથી ઘરમાં તપાસ કરતાં તિજોરી ખુલ્લી હતી અને ડ્રોવરો બહાર કાઢી નાખેલ હતાં જેથી તપાસ કરતાં તિજોરીમાંથી મંગલસૂત્ર, સોનાની બુટ્ટી પાંચ જોડ, સોનાની કડીઓ 3 નંગ, સોનાનું પેન્ડલ, સોનાની ચેઈન, ચાંદીના છડા બે જોડ, ચાંદીની લકી નંગ 1, ચાંદીની બંગડી એક જોડ, સોનાની વીંટીઓ નંગ 3, સોનાની બુટ્ટી નંગ 1 મળીને કુલ રૂ. 2,72,000ની મતાની ચોરી કરી ગયા હતા. જેથી પ્રિતેશભાઈ પટેલે આણંદ રૂરલ પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: