• ખેડૂત પરિવારે સામુહિક ઝેર પી લેતા પતિ-પત્ની, પુત્રનું મોત, દિકરી ગંભીર

  • વંથલીના સાંતલપુર ગામની સીમમાં વાડીએ બનેલી કરુણ ઘટના
  • 40 વીઘા જમીન ધરાવતા પરિવારનું અકળ કારણોસર અંતિમ પગલું

વંથલી પાસેના સાંતલપુર ગામની સીમમાં આજે સાંજે એક ખેડૂત પરિવારના ચાર સભ્યોએ કોઈ કારણોસર સામુહિક રીતે ઝેરી દવા પી લેતા ચારેયને ગંભીર હાલતમાં જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા, જેમાં પતિ-પત્ની અને 12 વર્ષના પુત્રનું મોત થયું છે, જયારે 15 વર્ષની દિકરી હાલ જીવન મરણ વચ્ચે ઝૂલતી આઈસીયુમાં દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.


વંથલી તાલુકાના સાંતલપુર ગામે રહેતા વિકાસ રમણીકભાઈ દુધાત્રા ઉ.50, તેમના પત્ની હિનાબેન ઉ.45, પુત્રી હેપ્પી ઉ.15 અને પુત્ર મનન ઉ.12 એ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઘંટીયા ફાટક પાસે આવેલી પોતાની વાડીએ સામુહિક રીતે ઝેરી દવા ગટગટાવી લીધાની જાણ થતા ગામના લોકો દ્વારા તેમને 108માં સૌ પહેલા વંથલી ત્યાંથી જૂનાગઢ ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ચારેય પૈકી વિકાસભાઈ, તેમના પત્ની હિનાબેન અને પુત્ર મનનના મોત થયાનું તબીબે જાહેર કર્યું હતું, જયારે 15 વર્ષની દિકરી હેપ્પીની હાલત ગંભીર હોય તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.

ઘટનાને લઈને કેશોદ ડીવાયએસપી, વંથલી પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ આવીને તપાસ શરુ કરી છે. હાલ તો ક્યાં કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો તેનું કારણ સામે આવ્યું નથી. પરિવારની એક માત્ર દિકરી નિવેદન આપવા માટે સ્વસ્થ થયા બાદ જ સઘળી હકીકત સામે આવી શકશે. જો કે ઘટનાને લઈને નાના એવા ગામમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે. ગામના સરપંચ, લોકો અને આગેવાનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

ઝેરી દવા પી લીધા બાદ મિત્રને ફોન કરીને જાણ કરી

ઝેરી દવા પી ને આપઘાત કરી લેનાર વિકાસભાઈએ સાંજે સામુહિક ઝેર પીધા બાદ તેઓએ પહેલા પોતાના મિત્ર પ્રતિક સાવલિયાને ફોન કરીને દવા પીધી હોવાની જાણ કરતા પ્રતિકભાઈ અને અન્ય ગામના લોકોએ વાડીએ જઇને તમામને 108 મારફત વંથલીથી જૂનાગઢ રીફર કર્યા હોવાનું પ્રતિકભાઈએ જણાવ્યું હતું.


  • Follow us on: