• પોલીસે અલગ અલગ ત્રણ ફરિયાદો નાંધી તપાસ હાથ ધરી

  • પીએસઆઈ તથા કર્મચારીને ઈજાઓ પહોંચી હતી
  • તમામ મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો

વિધાનસભાની ચૂંટણીને પગલે દુધઈ પોલીસ હાઈવે પર વાહન ચેકિંગની કામગીરીમાં રોકાયેલી હતી, ત્યારે ભચાઉ તરફથી આવી રહેલી ક્રેટા કારને રોકાવતાં આરોપીએ વાહન હંકારી મુક્યું હતું. જેથી તેનો ફિલ્મીઢબે પીછો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસ જીપને હડફેટે લીધી હતી, જેમાં પીએસઆઈ તથા કર્મચારીને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ આરોપીને પકડી કારમાં તપાસ કરતાં દારૂ તેમજ છરી, ધોકો વગેરે હથિયાર મળી આવ્યા હતા.

દુધઈ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત મંગળવારના સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. વિધાનસભાની ચૂંટણીને પગલે દુધઈ પીએસઆઈ આર.બી.રાણા સહિતનો સ્ટાફ મોરગર ગામે હાઈવે પર વાહન ચેકિંગની કામગીરીમાં રોકાયેલો હતો, ત્યારે ભચાઉ તરફથી આવી રહેલી ક્રેટા કાર નંબર જીજે 1ર ઈઈ 818રને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સવાર આરોપી દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ કાપડી રહે, નાની ચીરઈવાળાએ કાવો મારી કાર હંકારી મૂકી હતી. જેથી પીએસઆઈ તેમજ હેડ કોન્સ્ટેબલ રાણા પરબત કેરાસિયાએ સરકારી બોલેરોમાં કારનો પીછો કર્યો હતો. સાથેસાથે અન્ય બે પોલીસ કર્મચારીને નવી દુધઈ પાસે નાકાબંધી કરી દેવાતાં આરોપીએ કાર પરત વાળી ભચાઉ તરફ હંકારી હતી. તે વેળાએ સામેથી આવતી પોલીસની જીપ સાથે ક્રેટા કાર ભટકાઈ ગઈ હતી. જેથી પીએસઆઈ તેમજ રાણાભાઈને ઈજાઓ પહોંચી હતી અને સરકારી જીપમાં નુકસાની પહોંચી હતી. પોલીસે કાર રોકાવી આરોપી દેવેન્દ્રની ધરપકડ કરી લીધી હતી. કારની તપાસ કરતાં તેમાંથી દારૂની ર બોટલ તેમજ છરી, ધોકો વગેરે હથિયાર મળી આવ્યા હતા. જેથી તમામ મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં કાર ગાંધીધામમાં દારૂના ગુનામાં વોન્ટેડ પલાંસવાના બુટલેગર રામા વજા ભરવાડની હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે અલગ અલગ ત્રણ ફરિયાદો નાંધી તપાસ હાથ ધરી છે.


  • Follow us on: