- નવા હાઉસિંગ બોર્ડમાં દારૂ અને કાર સહિત રૂપિયા 1,39,500નો મુદ્દામાલ જપ્ત
- વૈદ્યના ઉતારાના રહેણાક મકાનમાંથી દારૂની 8 બોટલ સાથે 3 ઝડપાયા
- લાલ કલરની કારમાં દારૂનો જથ્થો રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ
સુરેન્દ્રનગર શહેરની એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસે દારૂના દરોડા કર્યા હતા. જેમાં નવા હાઉસીંગ બોર્ડમાંથી દારૂ ભરેલી કાર મળી આવી હતી. આ બનાવમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે શહેરના વૈદ્યના ઉતારાના રહેણાક મકાનમાંથી દારૂ સાથે 3 શખ્સો ઝડપાયા હતા. બન્ને દરોડામાં પોલીસે દારૂ, કાર સહિત રૂપીયા 1,42,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સુરેન્દ્રનગર બી ડીવીઝન પીએસઆઈ જી.એન.શ્યારા, એન.ડી.ચુડાસમા, મહીપતસીંહ, અજીતસીંહ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન શહેરના નવા હાઉસીંગ બોર્ડમાં રહેતો મહાવીરસીંહ દીલીપસીંહ જાડેજા તેના ઘર પાસે આવેલ ગલીમાં પોતાની લાલ કલરની કારમાં દારૂનો જથ્થો રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી મહાવીરસીંહ દીલીપસીંહ જાડેજા હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપીયા 1 લાખની કિંમતની સેવરોલેટ કાર, દારૂની અલગ-અલગ બ્રાન્ડની 71 બોટલ કિંમત રૂપીયા 39,500 સહીત કુલ રૂપીયા 1,39,500નો મુદ્દામાલ જપ્ત કરીને બી ડીવીઝન પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ફરિયાદ નોંધી છે. હાજર ન મળી આવનાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ બી ડીવીઝન પોલીસ ચલાવી રહી છે. બીજી તરફ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમના ધનરાજસીંહ વાઘેલા, કીશનભાઈ, ધવલસીંહ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન મહાલક્ષ્મી સીનેમા સામે આવેલ વૈદ્યના ઉતારામાં વિદેશી દારૂની બાતમી મળી હતી. આથી પોલીસે દરોડો કર્યો હતો. જેમાં વૈદ્યના ઉતારામાં રહેતો પ્રોમીલ કનૈયાલાલ પલણ, નવા જંકશન પાસે જયોતી પાર્કમાં રહેતો કાર્તીક દીલીપભાઈ કટારીયા અને કૌશીક દીલીપભાઈ કટારીયા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી પોલીસે દારૂની અલગ-અલગ બ્રાન્ડની 8 બોટલો કિંમત રૂપીયા 3200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમીક તપાસમાં આ દારૂ તેઓ વેચાણ અર્થે શહેરના 80 ફુટ રોડ પર રહેતા કુલદીપસીંહ ઉર્ફે લીલો પાસેથી લાવ્યા હોવાનું ખુલતા ચારેય સામે એ ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. આરોપી કુલદીપસીંહને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.










