- સેન્ટ લોરેન્સ નદીમાં હોડી પલટી જતા ચાર ગુજરાતીનાં મોત થયાં હતાં
- નદીમાંથી મૃતદેહો શોધવા કેનેડા પોલીસ અને કોસ્ટગાર્ડનું સર્ચ ઓપરેશન જારી
- ગેરકાયદે પ્રવેશવા પ્રયાસ કરતા હતા તે પૈકી 7 વ્યક્તિઓ ગુજરાતી હોવાનું જાણવા મળ્યું
કેનેડાની ક્યુબેક એન્ટારિયો બોર્ડર નજીક એક્વાસારના પ્રદેશમાંથી પસાર થતી સેન્ટ લોરેન્સ નદીમાં બુધવારે રાત્રે સર્જાયેલી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 8 વ્યકિતઓમાં 4 ગુજરાતીનો સમાવેશ થાય છે. આ હોડી હોનારતમાં હજુ લાપત્તા બે વ્યક્તિ પણ ગુજરાતી હોવાની આશંકા છે. સેન્ટ લોરન્સ નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલ 8 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા તે પૈકી 4 વ્યક્તિઓ મહેસાણાના એક ગુજરાતી ફેમિલીના સભ્યો હતા. આ નાવ દુર્ઘટનામાં બે સભ્યો હજુ લાપત્તા છે તે ગુજરાતી હોવાની શંકા વ્યક્ત થઈ છે.
કેનેડામાંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતી વેળા સર્જાયેલી બોટ દુર્ઘટનાનો ભોગ બનેલાઓ પૈકી 8 વ્યક્તિના મૃતદેહો તા.30 માર્ચની રાત્રે કેનેડાના કોસ્ટ ગાર્ડ અને પોલીસને મળ્યા હતા. ભોગ બનેલા મહેસાણાના વિજાપુર તાલુકાના માણેકપુરા ((ડાભલા)ના ચૌધરી કુટુંબના 4 સભ્યોના મૃતદેહોની ઓળખ કરાઈ હતી. જેમાં પ્રવીણ ચૌધરી - ઉં. 52, દક્ષાબેન ચૌધરી- ઉં. 45, વિધિબેન ચૌધરી - ઉં. 23 અને મીત ચૌધરી - ઉં 20નો સમાવેશ થાય છે. કેનેડાની પોલીસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન જારી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ફક્ત 8 વ્યક્તિ નહીં, પરંતુ 19 વ્યક્તિઓ સેન્ટ લોરેન્સ નદી મારફતે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા પ્રયાસ કરતા હતા તે પૈકી 7 વ્યક્તિઓ ગુજરાતી હોવાનું જાણવા મળે છે.










