• વલસાડના રસિક અને વેલંજાના દિનેશે દલાલી પેટે 8 હજાર પડાવ્યા

  • પકડાયેલા બંને યુવકોએ દલાલની ભૂમિકા ભજવી હતી
  • વરાછાના કરિયાણાના વેપારી સાથે લગ્નનું નાટક કરી રૂ. 2.54 લાખ લઇ ભાગી છૂટેલી.

વરાછા-ત્રિકમનગર ખાતે પરમહંસ સોસાયટીમાં રહેતા ગૌતમભાઇ કિશોરભાઇ ધનેશા કરિયાણાના વેપારી છે. તેમની દુકાને નિયમિત આવતા ગ્રાહક દિનેશ આહીરે ગૌતમને એક મિત્ર લગ્ન કરાવવાનું કામ કરે છે એમ જણાવી વલસાડના રસિકભાઇનો સંપર્ક કરાવ્યો હતો. રસિકભાઇએ સોની ઉર્ફે રોહિણી ઉર્ફે નયના ગુરુરાજ શિંદેનો ફોટો ગૌતમને બતાવ્યો હતો. દિનેશ અને રસિકે લગ્નની તમામ જવાબદારી ઉપાડવાની ખાત્રી પણ આપી હતી. મહારાષ્ટ્રના ભીવંડી ખાતે જઇ લગ્નની વાતચીત થયા બાદ સોનીની માતા સંગીતાબેને લગ્ન માટે 2.50 લાખ માંગ્યા હતા. આખરે બંને પરિવાર વચ્ચે ચર્ચા બાદ 2.11 લાખ આપવાનું નક્કી થયું હતું. દિનેશ અને રસિકે દલાલી પેટે 8 હજાર ગૌરવ પાસે માંગ્યા હતા. લગ્ન પહેલાં સોનીની માતા સંગીતાબેનને 2.11 લાખમાંથી 1.50 લાખ ચૂકવી દેવાયા હતા. મંદિરમાં લગ્ન કરાયા બાદ સોનીની માતા સંગીતાબેનને 61 હજાર ચૂકવાયા હતા. ત્યારબાદ સોનીનાં માતા-પિતા ભીવંડી ચાલ્યા ગયા હતા. થોડા દિવસ બાદ સોનીની માતા અને તેની બહેન પગફેરાની રસમ માટે સોનીને લઇ ગયા હતા. ગૌરવ તેના માતા-પિતા સાથે પત્ની સોનીને તેડવા ભીવંડી ગયા તો ઘરને તાળાં લાગેલા જોવા મળ્યા હતા અને તમામના મોબાઇલ પણ બંધ હતા.

વરાછા પોલીસે લૂંટેરી દુલ્હન સોની ઉર્ફે રોહિણી ઉર્ફે નયના ગુરુરાજ શિંદે, સંગીતા શિંદે, ગુરુરાજ શિંદે, પૂનમ, દિનેશ આહીર અને રસિક રામાણી સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન ગતરોજ વરાછા પોલીસે હિતેષ ઉર્ફે રસિકભાઇ રતિભાઇ કાપડિયા (ઉં.વ. 30, રહે. મોગરાવાડી, પેટ્રોલપંપ પાસે, વલસાડ- મૂળ તાલાલા, જૂનાગઢ) અને ઘુઘા ઉર્ફે દિનેશ કથડભાઇ કાછડ (ઉં.વ. 37, રહે. સૌરાષ્ટ્ર ગ્રીન સોસાયટી, વેલંજા ચોકડી, કામરેજ- મૂળ રાજુલા, અમરેલી)ની ધરપકડ કરી હતી.


  • Follow us on: