• ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પાઇલોટ પ્રોજેક્ટનો પ્રારંભ થશે

  • વીજ ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ વીજ વપરાશ ઉપર નિયંત્રણ રાખી શકશે
  • વીજ કંપની દ્વારા નવા મીટર લગાવવા માટેની કાર્યવાહી શરૂ

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા દહેગામ ડિવિઝનમાં 25હજાર વીજ ગ્રાહકોને ત્યાં દિવાળી બાદ હાલના વીજ મીટરના સ્થાને સ્માર્ટ પ્રી-પેઇડ વીજ મીટર લગાવવામાં આવશે. યુજીવીસીએલ દ્વારા દહેગામને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી જ વીજ કંપની દ્વારા નવા મીટર લગાવવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.

નવા સ્માર્ટ પ્રી- પેઇડ વીજ મીટર જે ગ્રાહકને ત્યાં લગાવવામાં આવશે તે ગ્રાહક ઉપર તત્કાળ કોઇ જ નવો આર્થિક બોજો નહિ આવે. રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેકટર સ્કિમ હેઠળ સ્માર્ટ વીજ મીટરનો 15 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. જ્યારે બાકીની રકમ 10 વર્ષમાં પાવર ગ્રીડ કોર્પોરેશને ચૂકવવામાં આવશે.આ ટોટેક્સ મોડલ હેઠળ વસૂલાશે. ટોટેક્સ મોડલમાં મૂડી ખર્ચ અને સંચાલન ખર્ચનો સમાવેશ થતો હોય છે.પાવર ગ્રીડ કંપની દ્વારા મીટર ખરીદવામાં આવશે, ઇન્સ્ટોલ કરવામાં આવશે અને તેની નિભાવણી પણ 10 વર્ષ સુધી કરવામાં આવશે.

સ્માર્ટ મીટરએ ઇલેક્ટ્રોનિક્સ સાધન છે જે વીજ વપરાશ,વોલ્ટેજનું પ્રમાણ, કરંટ અને પાવર ફેકટરની નોંધ રાખી માહિતી ગ્રાહક અને ઇલેક્ટ્રિસીટી સપ્લાયર એટલે કે વીજ કંપનીને આપે છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પણ નવેમ્બરના ત્રીજા સપ્તાહથી વડોદરા શહેરના અલકાપુરી, અકોટા સબ ડિવિઝનમાં 25 હજાર સ્માર્ટ પ્રિપેઇડ ઇલે.મીટર લગાવવાનું શરૂ કરવામાં આવનાર છે.

કઇ બાબતનું ધ્યાન આપવામાં આવશે ?

પોસ્ટ પેઇડમાંથી પ્રી પેઇડ મીટર બદલવાની પ્રક્રિયા દરમિયાન ગ્રાહકની ગત મહિનાના વપરાશ સામે બાકી રકમની ગણતરી પણ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. જો લોડ સિક્યુરિટી, એડવાન્સ પેમેન્ટ હોય તો તેને બાકી રકમ સામે એડજેસ્ટ કરી અંતિમ બાકી રકમ ( ફાઇનલ આઉટ સ્ટેન્ડિંગ એમાઉન્ટ ) તરીકે ગણવામાં આવશે. ગ્રાહકોને રાહત આપવા માટે દૈનિક હપ્તાની રકમ પણ ગણવામાં આવશે. આ માટે ચોક્કસ ફોર્મ્યુલાનો અમલ કરાશે. સ્માર્ટ પ્રિપેઇડ મીટરનો વપરાશ દૈનિક ધોરણે થશે.જેની સામે પ્રિપેઇડ બેલેન્સ રકમની પણ ગણતરીને પણ લક્ષમાં લેવામાં આવશે.મીટર બદલવાની પ્રક્રિયા દરમિયાન ગ્રાહકોને એસએમએસ દ્વારા જો કોઇ બાકી રકમ હોય તો તેની જાણ કરવામાં આવશે.

સ્માર્ટ મીટરથી ઇલે.બિલ વધતું નથી

સ્માર્ટ ઇલે. મીટરથી ગ્રાહકનું ઇલેક્ટ્રિસિટી વપરાશનું બીલ વધતું નથી.બીજી તરફ ગ્રાહકને દૈનિક ધોરણે તેનો વપરાશ કેટલો છે, તેની નોંધ રહેતી હોવાથી ગ્રાહક ઊર્જા વપરાશમાં જો બચત કરવી હોય તો પણ કરી શકે છે. જો નિિૃત રકમથી વધુ રકમની વીજળી ન વાપરવી હોય તો પણ તેમ કરી શકાય છે.

સ્માર્ટ પ્રિપેઇડ મીટરના લાભ | ? ગ્રાહક જેટલો વપરાશ કરે તેનું જ બીલ ચૂકવી શકશે.માસિક બીલની રાહ જોયા વિના જ વીજ વપરાશમાં ઘટાડો કરી શકશે. ? કોઇ વધારાના ચાર્જ લાગતા નથી. વર્તમાન ટેરિફ મુજબ જ બીલ બને છે. ? માનવીય હસ્તક્ષેપ વિના ભુલ વગરનું ઓટોમેટીક રિડિંગ દ્વારા બીલ તૈયાર થાય છે. ? વીજ ગ્રાહકો પ્રિપેઇડ બેલેન્સની માહિતી એસએમએસ દ્વારા મેળવી શકશે. રિચાર્જ સુવિધા પણ એમજીવીસીએલના કેશ કાઉન્ટર,એજન્સી અને ઓનલાઇન એપ દ્વારા મળી શકશે.

મોબાઇલ કંપનીના રિચાર્જના સંદેશા જેવા જ મેસેજ વીજ કંપની મોકલશે

વીજ કંપની ગ્રાહકના વપરાશ મુજબ તેણે કરેલા રીચાર્જની રકમની નોંધતી હોય છે. 48 કલાક પહેલાં જ ગ્રાહકને તમારી પ્રિપેઇડ રકમ પુરી થશે તેનો એસએમએસ મોકલાશે. આ ઉપરાંત જો આજે રીચાર્જ પુરુ થઇ ગયું હોય તો પણ બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી તો વીજ પુરવઠો ચાલુ રાખશે. કચેરીના સમય સુધીમાં રીચાર્જ ન થાય તો જ વીજ પુરવઠો બંધ થશે.


  • Follow us on: