- નાળામાં પાણી સમયસર ખાલી ન કરતા છાત્રો, મુસાફરો પરેશાન
- ખાલી ન કરતા હોવાના કારણે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોય
- સમયસર અંડરપાસમાં ભરાતુ પાણી ખાલી કરવા સ્થાનિક રહીશોમાં માંગ ઉઠી
ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ પાસે રેલવે લાઇન ઉપર બનાવેલા અંડરપાસમાં સતત પાણી ભરાયેલુ રહેતુ હોવાથી ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓને રોજબરોજ પસાર થવામાં પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોવાથી સમસ્યાના કાયમી ઉકેલની માંગ ઉઠી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના ચુલીગામથી પીપળા-ગોપાલગઢ રોડ ઉપર રેલવે લાઇનની નીચે અંડરપાસ બનાવેલો છે. આ અંડરપાસની અંદર હાલ ચોમાસુ ન હોવા છતાય ભર શિયાળે બાજુના વોકળા નદીનું સતત ઝમતુ પાણી ભરાઇ રહે છે. જેના કારણે આ ગામડામાંથી હાઇવે ઉપર આવવા અને જવા માટે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સતત પાણી લીક થવાના કારણે આ અંડરપાસનું કામ ગુણવતા વગરનુ થયાનુ અને આ અંડરપાસમાં સમયસર મશીન ચાલુ કરી પાણી ખાલી કરવાનું હોય છે. પરંતુ ખાલી ન કરતા હોવાના કારણે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોય છે. આ ગંભીર બાબતની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી સમયસર અંડરપાસમાં ભરાતુ પાણી ખાલી કરવા સ્થાનિક રહીશોમાં માંગ ઉઠી છે.










