- કૌભાંડીઓને પકડવા માટે ઉપરના લેવલથી પોલીસ પર પણ દબાણ કરવામાં આવ્યું
- પીઆઈએ વિઝા કૌભાંડના કેટલાક આરોપીઓને ડિટેઇન કર્યા હતા
- પાર્ટીનું બિલ પોતે આપશે તેમ કહીને પીઆઈએ આયોજન કર્યું હતુ
સમગ્ર રાજ્યમાં કબૂતરબાજી અને વિઝા કૌભાંડને લઈને અનેક એજન્સી અને સ્થાનિક પોલીસની ટીમો તપાસ કરી રહી છે. ખાસ કરીને ડિંગુચાનો પરિવાર જ્યારે કેનેડામાં મૃત્યુ પામ્યો ત્યારથી આવા કૌભાંડીઓને પકડવા માટે ઉપરના લેવલથી પોલીસ પર પણ દબાણ કરવામાં આવ્યું હતું. જોકે આ મોકાનો કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફાયદો ઉઠાવી રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. રાજ્યમાં અનેક કબૂતરબાજીના કિસ્સા બને છે તેમ છતાં પોલીસ કડક કાર્યવાહી કરતી નથી ઊલટાની તોડપાણી કરીને આરોપીને રીતસર બચાવી લે છે. જો તગડી રકમ ન મળે તો જ કાર્યવાહી થાય છે. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ એક શહેરના એક પીઆઈએ વિઝા કૌભાંડના કેટલાક આરોપીઓને ડિટેઇન કર્યા હતા. ત્યારબાદ આરોપીઓ પાસેથી 65 લાખ જેટલી અધધ... રકમની માગણી કરવામાં આવી હતી. જોકે આરોપીઓએ 65ને બદલે 30 લાખ આપવાનું કહેતા જ પીઆઈ અને તેના વહીટવદાર ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયા અને તેમને બે દિવસનો સમય આપ્યો હતો. જોકે મુદત પતી ગયા બાદ પણ આરોપીઓએ 65 લાખનો બંદોબસ્ત ન કરતા આખરે તેમની ધરપકડ બતાવી ગુનો દાખલ કરી દીધો હતો.
વહીવટદારનું પ્રમોશન આવતા PIએ રિસોર્ટમાં પાર્ટી યોજી, પણ બિલ તો વહીવટદારે જ ભરવું પડયું !
શહેરના એક પીઆઈ ઘણા સમયથી મલાઈદાર પોલીસ સ્ટેશનમાં અડિંગો જમાવીને બેઠા છે. આ પીઆઈના વહીવટદારનું થોડા સમય પહેલાં જ પ્રમોશન આવ્યું હતું. ઘણા સમયથી આ વહીવટદારે પીઆઈને લાખો રૂપિયાની કમાણી કરી આપી હતી. દરમિયાન વહીવટદારનું પ્રમોશન આવતા પીઆઈએ મોંઘાદાટ ફોન ગિફ્ટમાં આપ્યો હતો. આ ઉપરાંત કેટલાક બુકીઓ તેમજ બુટલેગરોને રિસોર્ટમાં પાર્ટી યોજવાની હોવાનું કહીને 5 લાખ પડાવ્યા હતા. પાર્ટીનું બિલ પોતે આપશે તેમ કહીને પીઆઈએ આયોજન કર્યું હતુ. અંતે પાર્ટીનું વહીવટદારે જ આપવું પડયું હતું. પોલીસબેડામાં ચાલતી ચર્ચા મુજબ, આ વહીવટદારની અમદાવાદ બહાર બદલી થઈ હોવા છતાં તે તેના માણસો મારફ્તે આ પીઆઈનો વહીવટ ચલાવી રહ્યો છે.
શહેરના એક પોલીસ સ્ટેશનમાં મહિલા કર્મીની જ દબંગાઈ, PIને ગાંઠતા પણ નથી
શહેરના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પીઆઇ અગાઉ અમદાવાદમાં એક પોલીસ સ્ટેશનમાં ફ્રજ બજાવી ચૂક્યા છે. આ પીઆઇ સામે કામગીરીને લઈને અગાઉ અનેક આક્ષેપો થયા હતા. જે બાદ પીઆઈની તાત્કાલીક બદલી કરી દેવામાં આવી હતી. જો કે, પીઆઇએ નવા પોસ્ટિંગનો ચાર્જ લીધા બાદ તેમના કહ્યા મુજબ પોલીસ સ્ટેશનમાં કામ થતું નથી. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ આ પોલીસ સ્ટેશનમાં એક મહિલા કર્મીનું જ રાજ ચાલે છે અને તે કહે તે પ્રમાણે જ પોલીસ સ્ટેશનમાં કામ થાય છે. થોડા દિવસો અગાઉ પીઆઇએ ફરિયાદ નોંધવા કર્મીઓને આદેશ કર્યો હતો, પરંતુ આ મહિલા કર્મી પીઆઈની ઉપરવટ થઈને ફ્રિયાદ નોંધવાની ના પાડી હોવાની ચર્ચા ચાલી રહી છે.
પોલીસ કર્મીઓને હેરાન કરનાર PIને હવે કોઇ પોલીસ અધિકારી મળવા પણ તૈયાર નથી
શહેરમાં ફ્રજ બજાવી ચૂકેલા પીઆઇએ અગાઉ અનેક પીઆઇ અને પોલીસ કર્મીઓને પોતાના અધિકારીનો રોફ્ બતાવીને હેરાન કર્યા હતા. આટલું જ નહીં, તપાસ દરમિયાન આ પીઆઈએ અનેક પીઆઈઓને બ્લેકમેઇલ કરીને લાખો રૂપિયા ખંખેર્યા હતા. આ સમગ્ર મામલો બહાર આવતા ઉચ્ચ અધિકારીએ આ પીઆઈને સાઇડલાઇન કરી દીધા હતા, પરંતુ આ પીઆઇના એક ઉચ્ચ અધિકારી ગોડ ફાધર હોવાથી તેમને ફરીથી મલાઈદાર પોસ્ટિંગ મળ્યું હતું. ગુજરાતીમાં કહેવત છે કે, શ્વાનની પૂંછડી ક્યારેય સીધી ન થાય તેમ આ પીઆઈ પોતાની હરકતો સુધારવાને બદલે વધારે નાટકો રચીને પોલીસ અધિકારી અને કર્મીઓને ધમકાવીને પૈસા પડાવતા હતા. થોડા સમય પહેલાં કરોડો રૂપિયાનો તોડ કર્યાનું બહાર આવતા આ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પીઆઇ હવે અનેક પીઆઇ તેમજ ઉચ્ચ અધિકારીને મળવા માટે જાય છે, પરંતુ પીઆઈને કોઈ મળવા તૈયાર ન હોવાથી બે કલાક વેઇટિંગ રૂમમાં બેસીને ઘરે પરત જતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.