- અંતિમ દિવસે ૧૦૦ થી વધુ અન્નક્ષેત્રમાં ફળાહારનો પ્રસાદ યોજાયો
- જૂનાગઢના તમામ માર્ગો ભવનાથ ભણી, ગીરી તળેટી બન્યું શિવમય
- ભવનાથ દાદાને ૨૫૦ કિલો વિવિધ ફળોના પ્રસાદ સાથે શણગાર કરાયો
ગિરિ તળેટીમાં આજે મહાશિવરાત્રીની ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, હર હર મહાદેવના નાદ સાથે લાખો શિવભકતોએ શિવ વંદના કરીને જીવનું શિવ સાથે મિલન થયું હોય તેવો માહોલ બાંધ્યો હતો. જૂનાગઢ શહેરના તમામ રસ્તાઓ ભવનાથ તરફ જોવા મળ્યા હતા.

સવારે 10 વાગ્યાથી તમામ વાહનોને પ્રવેશબંધી કરવામાં આવી હતી, તેમ છતાં લાખો ભાવિકો પદયાત્રા કરીને છેક ગિરિ તળેટીમાં પહોંચ્યા હતા, અને જોત-જોતામાં આખું ભવનાથ શિવમય બન્યું હતું, મહા શિવરાત્રીએ લાખો ભાવિકોએ ભવનાથ મંદિરે શીશ ઝુકાવીને શિવ વંદના કરી હતી, અને સાધુ-સંતોની રવેડીના દર્શન માટે પાંચ-છ કલાક અગાઉથી લાખો શ્રધ્ધાળુઓએ રવેડી રૂટ આસપાસ આસન જમાવી લીધું હતું. સાંજ ઢળતા જ તંત્ર દ્વારા રવેડી રૂટનું બેરીકેટીગ કરી નાખ્યું હતું, અને રવેડી રૂટને પવિત્ર કરવા માટે સફાઈ કરીને પાણીનો છંટકાવ કર્યો હતો.

રવેડી રૂટ ઉપર ફૂલો પાથરવામાં આવ્યા હતા, અને રવેડીના દર્શનનો લ્હાવો લેવા માટે નાના બાળકોથી લઈને મોટા ભાવિકોએ આતુરતા પૂર્વક રાહ જોઈ હતી. ભવનાથ મંદિરે ભવનાથ દાદાને શણગાર કરવામાં આવ્યો હતો, અને દિવસ દરમિયાન આરતી, પૂજન, અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. લાખો ભાવિકોએ આજે મહા શિવરાત્રીએ ભવનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
દામોદર કુંડ પાસે આવેલા પૌરાણિક એવા મુચકુંદ ગુફા ખાતે આજે સવારે શિવજીને અતિ પ્રિય ભાંગ બનાવાઈ હતી, અહીના મહંત મહેન્દ્રાનંદગીરીજી બાપુ સહિતના સંતોએ ભગવાન મહાદેવને ભાંગનો પ્રસાદ અર્પણ કર્યો હતો, જેમ આયુર્વેદની અંદર ઔષધિઓ જીવદાન સમાન છે, તેમ ભાંગ પણ સાધુ-સન્યાસીઓ માટે ઔષધીય પ્રસાદી છે.