- ગાંધીનગરમાં અનોખી હશે આ નવરાત્રી
- ભગવાન રામજીની 111 ફૂટની પ્રતિમા બનાવાશે
- રામ મંદિરની થીમ પર ઉજવાશે નવરાત્રી
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કેસરિયા ગરબા ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ગરબા મહોત્સવમાં અયોધ્યાથી રામજીની ચરણપાદુકા અને અંબાજીથી માતાની જ્યોત લાવવામાં આવશે.
પિતૃપક્ષ પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતની જનતા તેના માનીતા તહેવાર નવરાત્રીને આવકારવા માટે જાણે કે થનગની રહી છે. ઠેર ઠેર માતાજીની આરાધના અને ભક્તિના આ મહોત્સવને કંઈક અલગ અને અનોખી રીતે ઉજવવાની ભવ્ય તૈયારીઓ થઈ રહી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ નવરાત્રીને ભવ્ય રીતે ઉજવવા માટે તૈયારીઓ થઈ રહી છે.
ગાંધીનગરમાં આ વખતે કેસરિયા ગરબા ઉજવવાની તૈયારીઓ થઈ રહી છે. રામકથા મેદાનમાં એકસાથે 10 હજાર લોકો બેસી શકે તેવી રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે. 15 હજારથી વધુ લોકોના બેસવા માટેની વ્યવસ્થા હશે. પરંતુ આ ગરબામાં જે મુખ્ય આકર્ષણ છે એ છે ભગવાન રામજીની 111 ફૂટની વિશાળકાય મૂર્તિ. અહીં ભગવાન રામજીની વિરાટ પ્રતિમા લગાવવામાં આવશે. સાથે જ અયોધ્યાથી જઈને ભગવાન રામજીની ચરણપાદુકા અને અંબાજીથી અંબેમાની જ્યોત પણ લઈ આવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
દિવ્યાંગ બાળકો માટે અલગ ગરબાની વ્યવસ્થા કરવામાં આવશે અને હાલ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન વધી રહેલા હાર્ટ એટેકના બનાવોને જોતા અલગથી તબીબોની ટીમ સાથે એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દશેરાના દિવસે ભવ્ય રાવણદહનના કાર્યક્રમની પણ તૈયારી છે.









