• ભગવાન પરશુરામની શોભાયાત્રા વેળા પોલીસની ડ્રોન કેમેરાથી બાજ નજર રહેશે

  • વલસાડ સિટી પોલીસ દ્વારા 22 એપ્રિલના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે
  • પતંજલિ યોગ સમિતિના રાજ્ય કોર્ડીનેટર પ્રીતિબેન પાંડે સહિતના આગેવાનો હાજર રહ્યા

વલસાડમાં રમઝાન ઈદ અને ભગવાન પરશુરામની જન્મ જયંતીની ઉજવણીને મુદ્દે ગુરુવારે સીટી પોલીસ મથકમાં એકતા સમિતિની બેઠક રાખવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત અગેવાનોએ બંને પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તેવી ખાતરી આપી હતી

વલસાડમાં આગામી તા 22/04/23ના રોજ રમઝાન ઈદ અને ભગવાન પરશુરામની જન્મ જયંતિને અનુલક્ષીને વલસાડ સીટી પોલીસ મથકમાં ગુરુવારે એકતા સમિતિની બેઠક રાખવામાં આવી હતી. વલસાડ વિભાગના ડી.વાય.એસ.પી એ.કે. વર્માના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલી બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ રમઝાન ઈદની ઉજવણી ચાંદ દેખાવના સમય મુજબ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જો ચાંદ દેખાઈ તો રમઝાન ઈદની ઉજવણી 22મી એપ્રિલના રોજ કરવામાં આવશે તેવી માહિતી મુસ્લિમ સમાજના આગેવાનોએ આપી હતી. જો 22મી એપ્રિલના રોજ રમઝાન ઈદ જાહેર કરવામાં આવે તો મુસ્લિમ સમાજ દ્વારા વલસાડના રાખોડિયા તળાવ સ્થિત ઇદગાહ સહિત તમામ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવશે તેવી માહિતી આપી હતી . નમાઝ અદા કરવાની ધાર્મિક પ્રક્રિયા સવારે 9 વાગ્યે પૂર્ણ થઇ જાય છે તેવું પણ મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું છે. વલસાડમાં ભગવાન પરશુરામની શોભાયાત્રા સવારે 9 વાગ્યેથી શહેરના લિંક રોડ સ્થિત શ્રી ભીડભંજન મહાદેવ મંદિરથી શરૂ થઇ આ યાત્રા રામરોટી ચોક, આઝાદ ચોક, હાલર રોડ, હાલાર ચાર રસ્તાથી નનકવાડા સિવિલ રોડ થઇ વશીયર ખાતે આવેલા પ્રમુખ દર્શન સોસાયટી 4માં પૂર્ણ થશે તેવું આયોજકોએ પોલીસન જણાવ્યું હતું. રમઝાન ઈદ અને ભગવાન પરશુરામ જયંતીની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સીટી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબંસ્ત ફાળવવામાં આવ્યો હોવાનું સીટી પોલીસ મથકના પી.આઈ. એસ.ડી . ચૌધરીએ જણાવ્યું હતું. શોભા યાત્રા દરમિયાન સીટી પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી નજર રાખવામાં આવશે તેવું ડી.વાય એસ,પીએ જણાવ્યું હતું. બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો ઝહિરભાઈ દરિયાઈ, મૌલાના અફઝલ બાવા, મેહબુબખાન ગુલશેરખાન પઠાણ ઉર્ફે ઝાકીર પઠાણ, ઈરફાનભાઈ કાદરી વલસાડ તાલુકા હોલસેલ વેપારી એસોશિયેશનના પ્રમુખ સમીરભાઈ મપારા, રાજુભાઈ મરચાવાળા, ભાસીનભાઈ દેસાઈ, પતંજલિ યોગ સમિતિના રાજ્ય કોર્ડીનેટર પ્રીતિબેન પાંડે સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.


  • Follow us on: