• 27 નવેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા
  • 26 અને 27 નવેમ્બરે કમોસમી માવઠાનું જોર વધશે
  • આજે દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
રાજ્યમાં આજથી વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. ઠંડીની શરૂઆતની સાથે કમોસમી વરસાદ પણ શરૂ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાઇ જવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

આજે રાજ્યમાં વીજળી અને સામાન્ય પવનના જોર સાથે વરસાદની સંભાવના રહેલી છે. જેમાં 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના રહેલી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના પણ કેટલાંક ભાગોમાં વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં આજથી જોવા મળી શકે છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર-સોમનાથ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. જેની સાથે જ બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, તેમજ કેટલાંક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંતના જિલ્લાઓ શુષ્ક હવામાનની સંભાવના છે.

તેમજ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે ગુજરાતમાં 28મીથી 30 નવેમ્બર સુધી ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. જે બાદ હવામાનમાં ઘટાડો નોંધાવવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ઠંડીનું જોર પણ વધ્યું

ભેજનું પ્રમાણ વધતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. જેમાં સૌથી નીચું તાપમાન નલિયાનું 15 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી સુધી પહોંચ્યું છે. જ્યારે ગાંધીનગરમાં 14 ડિગ્રી, રાજકોટમાં 19 ડિગ્રી સુધી પારો ગગડ્યો છે. જ્યારે ભાવનગરમાં 19 ડિગ્રી અને સુરતમાં 20 ડિગ્રી પર તો વડોદરા 18 ડિગ્રી, ભૂજ 18 ડિગ્રી, કંડલા 16 ડિગ્રી સુધી જ્યારે અમરેલી 17.2 ડિગ્રી, પોરબંદર 17.6 ડિગ્રી પર તાપમાન નોંધાયું છે.
  • Follow us on: