ગીર સોમનાથના વેરાવળમાં લગ્નમાં વરસાદ બન્યો વિધ્ન કેમકે લગ્નની જાન વિદાય થવાની તૈયારી હતી તે દરમિયાન અચાનક વાવાઝોડા સાથે વરસાદથી લગ્ન મંડપ પડ્યો અને પાંડવા ગામે 2 દીકરીઓના લગ્નનો મંડપ તૂટતા પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતુ, ગઇકાલે સાંજે અચાનક ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તો ભારે પવન સાથે વરસેલા વરસાદે વેર્યો વિનાશ અને બન્ને દિકરીઓનો વિદાય પ્રસંગ પણ ન સચવાયો હોવાની વાત સામે આવી છે.
વેરાવળમાં મોડી સાંજથી વરસ્યો વરસાદ
અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે આગામી સાત દિવસ ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. આજે અમરેલી જિલ્લામાં તેમજ ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
તાપી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ
તાપી જિલ્લામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાની વાત સામે આવી છે, વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે, તો આજે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
અમરેલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો
અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદથી સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસ્યા છે, વિદ્યાનગર સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસતા હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે, સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે અને વરસાદી પાણી ઘરમાં ઘૂસતા માલ-સામાનને નુકસાન થયુ છે, સોસાયટીમાં મોટા ભાગના ઘરમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.









