• શિયાળાના પ્રારંભે જ અષાઢી માહોલ સર્જાયો

  • સતત બીજા રવિવારે બંને જિલ્લામાં છૂટો છવાયો વરસાદ
  • આ વર્ષની શરૂઆતથી જ સતત હવામાનમાં પલટો આવતો રહ્યો છે

આ વર્ષની શરૂઆતથી જ સતત હવામાનમાં પલટો આવતો રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગત રવિવારે અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે અનેક ખેડૂતોને નુકસાન થયુ હતુ. હજુ ખેડૂતોને તે કળ વળી નથી ત્યાં રવિવારે પરોઢે ફરી એક વખત ગાજવીજ સાથે બંને જિલ્લામાં વરસાદ પડયો હતો. જેના પગલે કેટલાક પાકોને નુકસાન થવાનો ભય ઉભો થયો છે. રવિવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેતાં હજુ પણ માવઠાં થવાનો ભય રહેલો છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ફરીથી કમોસમી વરસાદ થયો હતો. રવિવારે પરોઢે હવામાનમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે બંને જિલ્લામાં વરસાદ થયો હતો. મોડાસા,માલપુર,મેઘરજ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો હતો. જ્યારે હિંમતનગર,પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ બંને જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. ગત રવિવારે પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. ત્યાર બાદ વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ અને અઠવાડિયામાં બીજી વખત માવઠું થયુ હતું. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ વર્ષે દિવાળીના સમયગાળાથી ફુલગુલાબી ઠંડીની શરૂઆત થઈ હતી. જ્યારે નવા વર્ષના પ્રારંભથી જ વાતાવરણ સતત અસ્થિર થયા કરે છે. શિયાળો હજુ માંડ શરૂ થયો છે ત્યાં સતત બીજી વખત કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક છે તેમજ પાકના ઢગલા કરી રાખ્યા છે તે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ લગ્નોની સિઝન ચાલી રહી છે ત્યારે કમોસમી વરસાદ થતાં જ લગ્નના આયોજન કરનારાઓમાં દોડધામ મચી ગઈ હતી. બંને જિલ્લામાં અનેક જગ્યાએ લગ્નના મંડપ પલળ્યા હતા અને પરોઢે વરસાદ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રવિવારે દિવસભર પણ વાદળછાયુ વાતાવરણ રહેતાં તેમજ વરસાદને કારણે ભેજ થતાં ઠંડીનો ચમકારો રહ્યો હતો.

તલોદમાં કમોસમી માવઠું, ખેતીપાકને નુકસાન

સાબરકાંઠા જિલ્લામાં બદલાયેલા વાતાવરણ વચ્ચે કમોસમી માવઠાનો બીજો રાઉન્ડ આજે વહેલી સવારે આવતા શિળાયુ વાવેતર કરેલ ખેતી પાક અને યાર્ડ કંપાઉન્ડ તેમજ મગફળીની મીલોમાં ખુલ્લો પડેલો ખેતી પાક પલડી જતાં ખેડૂતો અને વેપારીઓને આર્થિક મોટુ નુકશાન થવા પામ્યું છે. આજે વહેલી પરોઢે ભર શિયાળે અષાઢી માહોલ છવાતા વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા જાહેર માર્ગો ઉપર ચોમાસા જેવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતો કમોસમી માવઠાથી પડયા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાતા ખેડૂતો કુદરતી આફત સામે લાચાર જોવા મળ્યા હતા.

ઘઉનું વાવેતર મોડું થવાથી ઉત્પાદન ઉપર અસર થશે

સતત બીજી વખત કમોસમી વરસાદથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઘઉંનું વાવેતર મોડુ થવાની શક્યતાઓ રહેલી છે. સતત વરસાદી માહોલને કારણે અનેક ખેડૂતો હજુ રવી વાવેતર કરવા રાહ જોઈ રહ્યા છે. ત્યારે ડિસેમ્બર મહિનો અડધો થયા બાદ ઘઉંનુ વાવેતર થશે તો મોડા વાવેતરના ઉત્પાદનમાં પણ અસર થશે. કારણ કે ઘઉંના સારા ઉત્પાદન માટે ઠંડીની જરૂર હોય છે. ઘઉંનુ વાવેતર મોડુ થાય અને પાછળથી વાવેતરને માફકસર ઠંડી ન મળે તો ઉત્પાદનમાં ઘટાડો થવાની દહેશત રહેલી છે.

એરંડાનો પાક પલળી જતાં કાળો પડી જવાની દહેશત

ભિલોડા તાલુકાના સુનોખ પંથકમાં રવિવારે વહેલી સવારે વરસાદ પડયો હતો. અગાઉ ગત રવિવારે પણ આ વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. સતત બીજી વખત વરસાદ થતાં જ એરંડાનો પાક ખળવાડમાં પલળી જતાં કાળો પડી જવાને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અઠવાડિયામાં બીજી વખત માવઠુ થતાં બટાકાના પાકમાં ફૂગ,વરિયાળીના પાકમાં કાળિયો તેમજ ચણાના પાકમાં આગામી દિવસોમાં સુકારા જેવા ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ થવાની દહેશત રહેલી છે. વધુ પાણી ભરાઈ રહ્યા હોય તેવા ખેતરોમાં વાવેતર કરેલ બટાકા,ચણાના પાકમાં ઉગાઉ શક્તિ નબળી પડવાની પણ દહેશત રહેલી છે.


  • Follow us on: