- શાકભાજીના ભાવમાં 30 ટકાના વધારાની શક્યતા
- શાકભાજીના પાકમાં જીવાત પડવાની સંભાવના
- વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની
રવિવારે સુરત સહિત આખા દક્ષિણ ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદને કારણે શાકભાજીના પાકને પણ ભારે નુકસાની થયાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કમોસમી વરસાદે શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીની સિઝન બગાડી નાંખી હોવાનું કૃષી બજારના વેપારી જણાવી રહ્યા છે. જેને લીધે રીંગણ, ટામેટા, તુવેર, ગવાર, પાપડી, વટાણા, ભીંડા, પરવર, દુધી, ચીભડા સહિતની શાકભાજીના ભાવમાં 30 ટકા જેટલો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શિયાળાને આરોગ્ય બનાવવાની મોસમ કહેવામાં આવે છે. શિયાળામાં લીલા શાકભાજીની સારી સિઝન હોય છે. જેને લીધે અન્ય મોસમ કરતા શિયાળામાં શાકભાજી સસ્તા હોય છે અને સામાન્ય માણસ પણ શિયાળામાં શાકભાજી આરોગી શકે છે. પરંતુ રવિવારે વરસેલા કમોસમી વરસાદે શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીની સિઝન બગાડી નાંખી છે. ખેતીવાડી બજાર સમિતિ, સુરત (એપીએમસી)ના ડીરેક્ટર બાબુભાઈ શેખે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે શાકભાજીના પાકમાં જીવાત પડવાની શક્યતા રહેલી છે. જે ખેતરોમાં પાણીનો નિકાલ ઓછો થતો હોય અથવા નિકાલ થતો નહીં હોય ત્યાં પાક સડી જવાની કે નાશ થવાની શક્યતા રહે છે. હવામામાનમાં અચાનક પલટો આવ્યો હોય શાકભાજીની આવકમાં ઘટ થશે. જેને લીધે માંગની તુલનામાં આવક ઘટતા શાકભાજીના ભાવ વધી શકે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલ માર્કેટમાં ટામેટા કિલોના રૂ.30થી 35 ના ભાવે મળે છે. આજ રીતે રીંગણ, વટાણા, તુવેર રૂ. 30 થી 35 અને ગવાર તેમજ પાપડી કિલોના રૂ.35 થી 40 ના ભાવે મળી રહ્યા છે. કમોસમી વરસાદને લીધે હવે, તેના ભાવમાં 30 ટકા જેટલો વધારો થવાની શક્યતા છે. જેની અસર એકાદ મહિના સુધી જોવા મળી શકે છે.
માવઠાથી થયેલા નુકશાનનું વળતર આપવા માંગ
ખેડૂતોને માવઠાથી થયેલા નુકશાનનું વળતર આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ સામાન્ય રીતે જ્યારે માવઠું આવતું હોય એવા સમયમાં 5 થી 10 મીમી વરસાદ પડતો હતો. પરંતુ હાલના સમયમાં માવઠાની પેટર્ન બદલાતા 1 થી 6 ઇંચ જેટલો વરસાદ પડે છે. હાલના સમયમાં ખેડૂતોને થતા નુકશાનના વળતરના સર્વેની પેટર્નમાં પણ ફેરફાર કરવાની જરૂર જણાય છે. દરેક ખેડૂતોના નુકશાનનું વ્યક્તિગત સરવે કરી વળતર ચૂકવવું જોઈએ. જેથી ખેડૂતોને યોગ્ય મદદ મળી શકે.