વડગામ તાલુકાના છાપીમાં રેલવે દ્રારા બનાવવામાં આવેલ અંડરપાસમાં ગાબડું પડતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જ્યારે રેલવે દ્રારા બનાવવામાં આવેલ અંડરપાસની ગુણવત્તાને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
વડગામ તાલુકાના છાપી રેલવે સ્ટેશનની દક્ષિણ દિશાએ વાહનો તેમજ લોકોની અવરજવર માટે બનાવવામાં આવેલ અંડરપાસ શરૂ થયાના દોઢ વર્ષમાં બીજી વખત અંડરપાસની પશ્ચિમ દિશામાં વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવેલ લાઈન પર મસમોટું ગાબડું પડતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. રેલવે દ્રારા બનાવવામાં આવેલ અંડર પાસની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જ્યારે અંડરપાસની બન્ને બાજુએ પાકો રોડ પણ બનાવવામાં ન આવતા નાના વાહનોને વાહન ચલાવવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે રેલવેના સત્તાધીશો દ્રારા તાત્કાલિક સમારકામ કરવા સાથે બન્ને સાઈડ પાકો રોડ બનાવવાં આવે તેવી વાહનચાલકો તેમજ ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.










