કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ (પુરાતત્વ અનુભવ સંગ્રહાલય), પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ જેવા વિકાસ કાયો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાતે આવનાર પ્રવાસીઓને હવે એક નવું નજરાણું ઉપલબ્ધ થશે.
આ સંકુલો જોવા માટે સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ વડનગર આવશે. ગુજરાતના પ્રાચીનત્તમ શહેર વડનગરનો ઈતિહાસ ખૂબ જ ભવ્ય છે. 2500 વર્ષ કરતાં વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સતત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. આનર્ત પ્રદેશના નામે ઓળખાતું વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિન્દુ, બૌધ્ધ, જૈન અને ઈસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. વડનગર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરનો અણમોલ ખજાનો છે. તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નક્શા પર ઉભરી આવ્યું. જ્યારે અહીંની ભૂમિમાં જન્મેલા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. PM મોદીની પ્રેરણાથી જ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન માટે તેમજ આ ઐતિહાસિક નગરમાં પાયાની અને પ્રવાસ સુવિધાઓ વિકસિત કરવા માટે વિશેષ પ્રયાસો કરી રહી છે. વડનગર પર IIT ખડગપુર, IIT ગુવાહાટી, IIT, ગાંધીનગર અને IIT રૂડકી તરફથી વ્યાપક બહુવિષયક શોધ શરૂ કરાઈ છે. વડનગરની મુલાકાત દરમિયાન અમિત શાહ શહેરના પ્રાચીન હાટકેશ્વર મંદિરની મુલાકાત પણ લેશે.










