તા.28મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યાં છે. જેઓ હરણી એરપોર્ટથી ટાટાના હેન્ગર સુધીનો 2.8 કિ.મી.નો રોડ શો કરશે. જેમાં નરેન્દ્ર મોદીનુ ભવ્ય સ્વાગત કરવા માટે 30 હજાર લોકોને એકઠાં કરવાનો ટારગેટ અપાયો છે. સ્વાગત કરનાર લોકોનું મોદી અભિવાદન ઝીલશે. એ પછી ટાટા હેન્ગર ખાતે નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ ટાટા એરબસની ફાઈનલ એસેમ્બ્લી લાઈનનો શુભારંભ કરશે અને એરબસ સી-295 સાથે ફોટાગ્રાફી કરાશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ વડોદરા આવી રહ્યાં હોવાથી જોરશોરથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ તૈયારીઓના ભાગરૂપે આજે હરણી એરપોર્ટ ખાતે અને એ પછી અલકાપુરી સર્કિટ હાઉસ ખાતે આયોજનની તૈયારીઓના ભાગરૂપે બેઠક બોલાવાઈ હતી. જેમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, મ્યુનિ.કમિશનર દિલીપ, જિલ્લા કલેક્ટર બિજલ શાહ, મેયર પિંકીબેન સોની, સ્ટેન્ડિંગ ચેરમેન ડૉ. શિતલ મિસ્ત્રી, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ સહિત અધિકારીઓ- પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું કે, એક વિધાનસભા દીઠ 5 હજાર પ્રમાણે શહેરની પાંચ વિધાનસભા અને જિલ્લાની વાઘોડિયા વિધાનસભાને સમાવીને કુલ 6 વિધાનસભા મુજબ 30 હજાર લોકો રોડ શોમાં લાવવાનો ટારગેટ અપાયો છે. ખાસ ધારાસભ્યોને ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. તા.28મીએ સવારે અંદાજે 9-45 કલાકે હરણી એરપોર્ટ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો શરૂ થશે. આ રોડ શો દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે. હરણી એરપોર્ટથી ટાટા ફાઈનલ એસેમ્બ્લી લાઈન (હેન્ગર) સુધીના 2.8 કિ.મી.નો રોડ શો રહેશે.

અંદાજે સવારે 10 કલાકે નરેન્દ્ર મોદી ટાટા હેન્ગર ખાતે પહોંચવાના હોવાનું જાણવા મળે છે. એ પછી ગણતરીના પાંચ મિનિટમાં બીજી તરફ સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ પણ પશ્ચિમ વિસ્તારની ફાઈવ સ્ટાર હોટલ ખાતેથી ટાટા હેન્ગર ખાતે પહોંચશે. જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરાશે. નરેન્દ્ર મોદી અને પેડ્રો સાચેઝ બન્ને હેન્ગરની મુલાકાત લેશે અને સી-295 સાથે બન્ને દેશના પ્રધાનમંત્રીની ઐતિહાસીક પળોની ફોટોગ્રાફી કેમેરામાં કેદ કરાશે. ત્યાર બાદ ટાટા એરબસની ફાઈનલ એસેમ્બ્લી લાઈનનો શુભારંભ કરાશે અને સ્ટેજ પ્રોગ્રામ ચાલશે.

મોદી, સાન્ચેઝ રાજવી પરિવારને મળશે અને લક્ષ્મી વિલાસ પેલેસમાં જ ભોજન લેશે

નરેન્દ્ર મોદી અને પેડ્રો સાન્ચેઝ તેમના સુરક્ષા કાફલા સાથે હરણી હેન્ગર ખાતેથી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે જવા માટે નીકળશે. જ્યાં રાજવી પરિવાર બન્ને દેશના પ્રધાનમંત્રીનુ વેલકમ કરશે. જેમની વચ્ચે વાર્તાલાપ થશે. એ પછી દરબાર હોલમાં જ ભાજપ અને સ્પેન વચ્ચે કરારો કરવામાં આવશે. બાદમાં ઐતિહાસીક દરબાર હોલમાં જ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાન્ચેઝ ભોજન લેશે. બાદમાં ત્યાંથી હરણી અરપોર્ટ થઈને નરેન્દ્ર મોદી અમરેલી તરફ અને પેડ્રો સાન્ચેઝ મુંબઈ તરફ જવાના રવાના થવાના હોવાનું પણ જાણવા મળે છે.

સાન્ચેઝ પત્ની સાથે પશ્ચિમ વિસ્તારની ફાઇવ સ્ટાર હોટલમાં રાત્રિ રોકાણ કરશે

તા.27મીએ રાતે હરણી એરપોર્ટ ખાતે સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ એરબસ એ-310 એરક્રાફ્ટમાં સવાર થઈને આવી પહોંચશે. તેમની સાથે તેમની પત્ની બેગોના ગોમેઝ પણ પધારવાના હોવાનું જાણવા મળે છે. એરપોર્ટ ખાતે તેમના ભવ્ય સ્વાગત પછી તેઓ એરપોર્ટથી પશ્ચિમ વિસ્તારની એક ફાઈવ સ્ટાર હોટલમાં રાત્રી રોકાણ કરવાના છે. તે આખા રૂટને ઠેરઠેર લાઈટીંગથી શણગારી દેવાયો છે.


  • Follow us on: