સંસ્કારી નગરી વડોદરામાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગોત્રી પોલીસમથકથી 200 મીટર દૂર જ એક યુવકે હાથમાં અગ્નિ શામક બોટલ લઈને રાહદારીઓની કાર પર હુમલો કરીને અડધો કલાક સુધી રોડને બાનમાં લીધો હતો.


ગોત્રી રોડ પર અંદાજિત 30 મિનિટ સુધી આતંક મચાવ્યો

આજે સવારે 10 વાગ્યાના સુમારે ગોત્રી પોલીસ મથકથી 200 મીટર દૂર આવેલા રોડ પર એક યુવક હાથમાં અગ્નિ શામક બોટલ લઈને ફરી રહ્યો હતો અને જે પણ કાર ચાલક રોડ પરથી પસાર થાય તેની પાસે મોબાઈલ માગતો હતો અને મોબાઈલ ન આપવા પર બોટલથી કાર પર હુમલો કરતો હતો. આ યુવકે કેટલીક કારના કાચ તોડી નાખ્યા અને 3 લોકોને ઈજા પણ પહોંચાડી છે. 30 મિનિટ સુધી આ વ્યક્તિએ આ રોડને બાનમાં લીધો હતો. આ ઘટનાથી આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. જોકે કેટલાક લોકોએ હિંમત દાખવી યુવકને પકડીને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો.

આ યુવક હત્યાનો આરોપી: એસીપી અશોક રાઠવા

ત્યારબાદ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર ગોત્રી પોલીસ પહોંચી હતી અને યુવકની ધરપકડ કરી હતી. એસીપી અશોક રાઠવાનું કહેવું છે કે આ યુવક હત્યાનો આરોપી છે અને 18 તારીખે જામીન મળતા બહાર આવ્યો હતો. હાલ તેને ઈજા થઈ હોવાથી તેના મેડિકલ ટેસ્ટ કરાવ્યા છે અને હવે સાયકોલોજી ટેસ્ટ પણ કરાવવામાં આવશે અને તેના જામીન રદ કરવાની માગ કોર્ટમાં કરવામાં આવશે. મહત્વનું છે કે હાલ તો યુવક નશામાં હોવાનું સ્પષ્ટ થયું નથી અને તેણે લૂંટ પણ કરી નથી તો પછી તેણે કેમ લોકો પર હુમલા કર્યા અને તે માનસિક બીમાર છે કે કેમ તે તપાસ બાદ જ જાણવા મળશે.

  • Follow us on: