વડોદરા શહેર નજીક આવેલી સુમનદીપ વિદ્યાપીઠના 12માં દીક્ષાંત સમારોહમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એમ.આર.શાહે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, તબીબી સારવાર ખૂબ મોંઘી થઈ ગઈ છે. હું તમને વિનંતી કરું છું કે, જરૂરિયાતમંદ દર્દી પ્રત્યે દયાળુ બનો અને સસ્તા દરે તબીબી સેવા પૂરી પાડો.
વાઘોડિયાની સુનમદીપ વિદ્યાપીઠમાં આજે 12મા દીક્ષાંત સમારોહમાં મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી, ફીઝિયોથેરાપી, નર્સિંગ, મેનેજમેન્ટ, પેરામેડિકલ અને ઓડિયોલોજીના 843 વિદ્યાર્થીઓને ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને PHD.ની ડિગ્રી એનાયત કરાઈ હતી. આ ઉપરાંત 30 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મળ્યો, જેમાં 23 વિદ્યાર્થિનીનો સમાવેશ થયો હતો. ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એમ.આર. શાહે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનો છે. તબીબી વ્યવસાય એક ઉત્તમ વ્યવસાય છે. આજકાલ તબીબી સારવાર ખૂબ મોંઘી થઈ ગઈ છે. જેથી હું તમને વિનંતી કરું છું કે, જરૂરિયાતમંદ દર્દી પ્રત્યે દયાળુ બનો અને સસ્તા દરે તબીબી સેવા પૂરી પાડો, જેથી પૈસાના અભાવે કોઇ દર્દી મૃત્યુ ન પામે. હું લૉ સ્ટુડન્ટ્સને પણ કહેવા માંગુ છું કે, લિગલ પ્રોફેશનને પૈસા કમાવવાનું માધ્યમ બનાવવું જોઇએ નહીં. સેવા કરીને કમાઓ અને કમાણી કરીને સેવા ન કરો. નૈતિકતા, પ્રામાણિકતા અને તમારા ગૌરવ સાથે સમાધાન ન કરો, તમે જે પણ કરો તે પ્રતિબદ્ધતા અને મહેનતથી કરો. સમાજ પ્રત્યે દયાળુ બનો અને રાષ્ટ્રની સેવા કરો. તમે જ યુવા છો. જેથી વિકાસશીલ રાષ્ટ્ર માટે યોગદાન પણ જરૂરી છે. આત્મવિશ્વાસથી આગળ વધવાથી સફળતા અચૂક મળશે. આત્મવિશ્વાસ તમને પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે. છેલ્લાં સમયમાં પણ ચમત્કાર થવાની શક્યતા હોવાથી ક્યારેય હાર ન માનો. ઉલ્લેખનિય છે કે, જેમા સુમનદીપ વિદ્યાપીઠના ફાઉન્ડર પ્રમુખ ડૉ.મનસુખ શાહ, સાંસદ ડૉ.હેમાંગ જોષી, ચાન્સેલર ડૉ. હર્ષદ શાહ, VC ડૉ.રાજેશ ભારાણી અને રજિસ્ટ્રાર ડૉ. મનોજ કુલકર્ણી અને વાલીઓ વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં.










