ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લિ. દ્વારા આજથી એસ.ટી.બસ ભાડામાં 10 ટકાનો વધારો અમલી બનાવવામાં આવ્યા બાદ હવે નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્ટેટ હાઇવે ઓથોરિટી દ્વારા પણ 1લી એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા ઉપરથી પસાર થતા વાહનોના ચાલકો પાસેથી રૂ.5 થી રૂ.40 સુધી વધારો જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ વે અને અમદાવાદ - વડોદરા વચ્ચે નેશનલ હાઇવે 48 ઉપરથી પણ ટોલ ફી વધારો જાહેર કરીને વાહનચાલકો ઉપર જંગી આર્થિક બોજો ઝીંકવામાં આવ્યો છે. સરકારે ઘણા ટોલ-વે ઉપર જંગી આવક મેળવી લીધી હોવા છતાં દર વર્ષે આવક વધારવા માટે ટોલ ફી વધારો ઝીંકવાનું ચાલુ રાખ્યું છે.
અમદાવાદ - વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વે ઉપર પણ ટોલ ફી વધારો ઝીંકાયો છે. જેમાં કાર- જીપના હાલના રૂ.135ના બદલે હવે રૂા.140, રિટર્નમાં રૂ.205ના બદલે રૂ.215, એલસીવીના રૂ.ર20ના બદલે રૂ.230 રિટર્નમાં રૂ.330ના બદલે રૂ.345 અને બસ- ટ્રકના રૂ.465ના બદલે હવે રૂ.480 અને રિટર્નમાં રૂ.720ના બદલે હવે રૂ.760 ચૂકવવા પડશે. વડોદરાથી આણંદના કારના રૂ.50ના બદલે હવે રૂ.55 અને નડિયાદના રૂ.70ના બદલે રૂ.75 ચૂકવવા પડશે. નેશનલ હાઇવે 48 ઉપર રઘવાણજ ટોલ પ્લાઝા ખાતે કાર - જીપના હવે રૂ.110 અને એલસીવીના રૂ.175 અને બસ - ટ્રકના રૂ.360 ચૂકવવા પડશે. જ્યારે વાસદથી વડોદરાના કાર - જીપના રૂ.160, એલસીવીના રૂ.245 અને બસ ટ્રકના રૂ.505 ચૂકવવા પડશે.
દેશમાં સૌથી વધુ ટોલ ફીની આવક આપતા નેશનલ હાઇવે 48 ઉપર વડોદરા - ભરૂચ માર્ગ પર કરજણ તાલુકાના ભરથાણા ટોલ પ્લાઝા ઉપરથી દૈનિક સરેરાશ 50 હજાર જેટલા વાહનો પસાર થાય છે. રોજની અંદાજે રૂ.1 કરોડ ઉપરાંતની ટોલ ફી આ પ્લાઝા ઉપરથી સરકારને મળે છે. આવી જ રીતે સુરત જિલ્લાના ચોર્યાસી ટોલ પ્લાઝા ઉપરથી જ સરકારને આવક મળે છે. વડોદરા - હાલોલ વચ્ચે કાર-જીપ, જીએસઆરટીસીની બસોને ટોલ ફીમાંથી મુક્તિ છે. જ્યારે ટ્રકની ટોલ ફી હવે રૂ.245 થશે. એલસીવીના રૂ.130 થશે. વડોદરાથી ભરૂચ સેકસનમાં કરજણ તા.ના ભરથાણા ખાતે હવે કાર, જીપની ટોલ ફી રૂ.155થી વધીને રૂ.160 એપ્રિલની 1લીથી થઇ છે. રિટર્નમાં રૂ.230ના બદલે રૂ.235 ચૂકવવા પડશે. એલસીવીના રૂ.245ના બદલે રૂ.255 અને રિટર્નમાં રૂ.370ના બદલે રૂ.375 ચૂકવવા પડશે. બસ-ટ્રકના રૂ.515ના બદલે રૂ.535 અને રિટર્નમાં રૂ.775ના બદલે રૂ.800 ચૂકવવા પડશે. જ્યારે ભરૂચથી સુરતના સેકશનમાં ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે પણ કાર - જીપના હવે રૂ.120ના બદલે રૂ.125, એલસીવીના રૂ.195ના બદલે રૂ.200, બસ-ટ્રકના રૂ.410ના બદલે રૂ.425 ચૂકવવા પડશે.
મધ્યપ્રદેશ સરહદથી અમદાવાદ વચ્ચે મુસાફરી મોંઘી
મધ્ય પ્રદેશ બોર્ડરથી નેશનલ હાઇવે 47 (જૂનો નેશનલ હાઇવે 58) ઉપર પણ મુસાફરી મોંઘી બનશે. મધ્ય પ્રદેશની સરહદથી ગોધરા ખાતેના 215 કિ.મી.ની મુસાફરી માટે દાહોદ જિલ્લાના ભથવાડા ખાતે આવેલા ટોલ પ્લાઝા ખાતે ફી લેવામાં આવે છે. આ ફી હાલમાં કાર, જીપ માટે રૂ.175 છે તે હવે 1લીથી રૂ.185 અને રિટર્નમાં રૂ.260ના બદલે રૂ.275 લેવાશે. એલસીવીના રૂ.275 ઉપરથી વધીને રૂ.290 થયા છે. રિટર્નની ફી રૂ.410 થી વધીને રૂ.435 થશે. બસ -ટ્રકના રૂ.565ના વધીને રૂ.600 અને રિટર્નમાં રૂ.845થી વધીને રૂ.900 થયા છે.