• લોકસભાની વડોદરા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ
  • ફતેગંજ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સવારે 7:00 વાગે મતદાન કર્યું
  • દીપક શાસ્ત્રીએ મંત્રોચ્ચાર કરી મતદાનનો પ્રારંભ કરાવ્યો
હિટવેવની પરિસ્થિતિ વચ્ચે વડોદરામાં આજે સવારે 7:00 વાગ્યાથી લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ ગયું છે. ત્યારે સવારથી જ કેટલાક મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળતી હતી. વડોદરાના ફતેગંજ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સૌથી પહેલું મતદાન રામભક્ત હનુમાન બનીને આવેલા દીપક શાસ્ત્રીએ મંત્રોચ્ચાર કરી મતદાનનો પ્રારંભ કરાવ્યો હતો.

લોકસભાની વડોદરા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ
લોકસભાની વડોદરા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. વડોદરા શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસના જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે. લોકસભાની વડોદરા બેઠકની સાત વિધાનસભા મતવિસ્તારમાં આજે સવારથી જ અનેક મતદાન મથકો પર મતદારોની લાંબી કતાર જોવા મળતી હતી. વહેલી સવારે ઉષ્મા ભર્યા વાતાવરણમાં મતદાન કરવા મતદારો નીકળી પડ્યા હતા. વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીએ હરણી સ્થિત હનુમાનજીના મંદિર ખાતે પૂજા અર્ચના કર્યા બાદ વેમાલી સ્થિત મતદાન મથક પર તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું.

ફતેગંજ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સવારે 7:00 વાગે મતદાન કર્યું
ફતેગંજ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સવારે 7:00 વાગે દીપક શાસ્ત્રી નામના મતદારે રામભક્ત હનુમાનની વેશભૂષા કરીને મતદાન કરવા આવતા મતદારોમાં આકર્ષણ જમાવ્યું હતું. દિપક શાસ્ત્રીએ મતદાન મથકમાં મતદાન કરતા પૂર્વે મંત્રોચ્ચાર કરી મતદાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 500 વર્ષ બાદ રામ મંદિરની સ્થાપના થઈ છે જે હિન્દુ સમાજ માટે ગૌરવની વાત છે અને તેનો યશ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. આજે શાંતિપૂર્ણ રીતે મતદાનનો મહાપર્વ પૂર્ણ થાય તેને ધ્યાનમાં રાખી ગઈકાલે યજ્ઞ કરવામાં આવ્યો હતો.

  • Follow us on: