• વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના પીએની પોલીસે કરી ધરપકડ
  • મદદ કરવાના બહાને ઘરે જઈ મહિલા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
  • મહિલાએ જવાહર નગર પોલીસ મથકે નોંધાવી હતી ફરિયાદ

વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ PAનું કારસ્તાન સામે આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ધારાસભ્ય પાસે મદદ માંગવા આવેલ વિધવા મહિલાની મજબુરીનો ફાયદો ઉઠાવી MLAના પૂર્વ PA રાજેશ ગોહિલે મહિલાના ઘરમાં ઘુસી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ જવાહરનગર પોલીસ મથક ખાતે નોંધાવવામાં આવી હતી.

જવાહર નગર પોલીસે બાતમીને આધારે દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપી રાજેશ ગોહિલની કરી ધરપકડ કરી છે. રાજેશ ગોહિલ મંદિરમાંથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે જવાહર નગર પોલીસે તેને દબોચી લીધો હતો.

જાણો શું છે સમગ્ર મામલો

પ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનાર મહિલાના પતિનું અવસાન થઇ ગયું છે. તેમને સંતાનોમાં એક દીકરી અને એક દીકરો છે. દીકરીની સગાઇ થઇ ગઈ છે. જયારે નેનો દીકરો અભ્યાસ કરે છે. પતિના અવસાન બાદ તે જે મકાનમાં રહે છે તેની લોનના હપ્તા સમયસર ન ભરી શકતા તેમને પોતાનું મકાન વેચવાનું નક્કી કર્યુ હતું. જેના માટે તેઓ મદદની આશાએ પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ઓફિસે મળવા ગયા. જોકે, ત્યાં તેમને ધારાસભ્ય તો ન મળ્યા પરંતુ ધારાસભ્યની ઓફિસ પાસે નરાધમ રાજેશ ગોહિલ સાથે તેમનો ભેટો થયો. જ્યાં રાજેશ ગોહિલે મકાન વેચવા માટે મદદ કરશે તેમ કહી મહિલાનો ફોન નંબર લીધો હતો. જેના થકી તે મકાન વેચવાના બહાને તે અવાર - નવાર મહિલાને કોલ કરતો હતો.

ત્યાર બાદ ફરી થી થોડા દિવસ બાદ મકાનના ફોટા મોબાઇલમાંથી નીકળી ગયા હોવાનું બહાનું કરી મહિલાના ઘરે ગયો. જ્યાં તપાસ કરતા તેને જાણ થઇ કે ઘરમાં મહિલા એકલી જ છે. જેથી મજબુર મહિલાનો ફાયદો ઉઠાવવા માટે રાજેશે મહિલા સાથે બળજબરીપૂર્વક મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. જોકે, એ સમયે મહિલાની પુત્રી અને તેનો મંગેતર ઘરે આવી પહોંચતા રાજેશ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જેના બાદમાં મહિલા તેની દીકરી અને જમાઈ સાથે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી રાજેશ ગોહિલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

  • Follow us on: